- સુરતમાં સામે આવી એક વિચિત્ર ઘટના
- પતિએ જ પત્નીનાં ગળા પર ફેરવી દીધું ચપ્પુ
- પત્ની પોતાના ભાઈને બહારથી ઉછીનાં પૈસા લઈ આપતી હતી
સુરત: મગદલ્લા ગામનાં સરકારી આવાસમાં રહેતી મહિલાના ગળા પર તેના જ પતિએ ચપ્પુ ફેરવી દીધું હતું. આ મહિલા પોતાના સગા ભાઈ માટે વ્હાલથી ઉછીના રૂપિયા લાવીને આર્થિક મદદ કરતી હોવાથી બંને વચ્ચે ઝઘડો થયો હતો અને પત્નીનું ગળુ કાપ્યા બાદ પતિએ પોતાના પુત્રને કહ્યું હતું કે, 'મેં તારા માટે જ કર્યું છે.' બનાવ અંગે પુત્ર દ્વારા પોતાના પિતા વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સાળાને 10 લાખ રૂપિયા ઉછીનાં આપ્યા હતા
મગદલ્લા ખાતે આવેલા સુમન શ્વેત અપાર્ટમેન્ટમાં રહેતા અને કડોદરા GIDCમાં માર્કેટિંગ માસ્ટર તરીકે કામ કરતા સુરેશભાઈ તિવારીએ 2016માં ડિંડોલી નવાગામમાં ઉમિયા નગરમાં આવેલું મકાન 25 લાખમાં વેચ્યું હતું. ત્યારબાદ તેમાંથી 10 લાખની રકમ તેઓએ પોતાના સાળા સંજયભાઈ રામચંદ્ર મિશ્રાને ઉછીની આપી હતી. બીજા તરફ બેરોજગાર સંજયભાઈ 10 લાખ રૂપિયા પરત આપી શક્યા ન હતા. જેને લઈને સાળા-બનેવી વચ્ચે માથાકુટ થતી રહેતી હતી.
પત્ની બહારથી ઉછીના પૈસા લાવી આપતી હતી
સુરેશભાઈના પત્ની સાવીત્રીદેવી બહારથી ઉછીના રૂપિયા લાવીને સંજયભાઈને મદદ કરતી હતી. 10 દિવસ પહેલા જ આ વાતની જાણ તેમના પુત્ર અમનને થઈ હતી. રાત્રિના સમયે પરિવાર જમીને બેઠા હતા ત્યારે અમને પિતા સુરેશભાઇને આ વાતની જાણ કરતા ઘરમાં ઝઘડો શરૂ થયો હતો. એક તરફ સાળો 10 લાખ આપતો ન હોવાનું અને ઉપરથી પત્ની ચોરીછૂપીથી રૂપિયા આપી રહી હોવાને કારણે માથાકૂટ થઇ હતી. શનિવારે ઘરમાં કોઈ હાજર હતું નહીં ત્યારે સાંજના સમયે સુરેશભાઈએ પત્ની સાવીત્રી દેવી સાથે ઝઘડો કર્યો હતો અને ગળાના ભાગે ચપ્પુ મારી દીધું હતું.
ત્વરિત સારવાર માટે લઈ જવાતા જીવ બચ્યો
ઘરમાં માતા લોહીલુહાણ હાલત હોવાની જાણ થતાં પુત્ર અમન દોડીને ઘરે પહોંચ્યો હતો. ઘરમાં માતા લોહીલુહાણ હાલતમાં અને પિતાના હાથમાં ચપ્પુ જોઈને અમને પિતાને કહ્યું કે, તમે આવું શા માટે કર્યું? જેના જવાબમાં પિતાએ પુત્રના ચહેરા ઉપર જોઈને કહ્યું કે, આ બધુ તારા માટે જ કર્યું છે. ગંભીર હાલતમાં સાવીત્રી દેવીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવ અંગે ઉમરા પોલીસમથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સુરેશ તિવારી વિરૂદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.