- સુરતમાં માસ્ક બનાવતી ફેક્ટરીમાં વહેલી સવારે આગ લાગી
- આગથી બચવા પાઈપ પકડીને ઉતરતા મજૂરનું નીચે પટકાતા મોત
- સુરતના મેયર સહિત અન્ય પદાધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યાં
સુરત: કડોદરા GIDCમાં આજે સોમવારે મળસ્કે એક માસ્ક બનાવતી કંપનીમાં આગ લાગી હતી. જોતજોતામાં આગે ભાયનક સ્વરૂપ ધારણ કરી લેતા કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન 2 કર્મચારીઓ કંપનીના બિલ્ડીંગની આસપાસમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા, જ્યારે 48 જેટલા ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. વળી, ફાયર બ્રિગેડ દ્વારા 100થી વધુ કામદારોને હાઈડ્રોલિક ક્રેનની મદદથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. આ આગ લાગવાની ઘટનામાં ફેકટરીમાં ફાયર સેફ્ટીની કોઇ સુવિધા ન હોવાના ખુલાસો થયો છે. જેના કારણે આ વિકરાળ આગ લાગવાની ઘટના લાગી હતી. આ ઘટનાના પગલે ફેકટરીના માલિક સહિત ત્રણ સામે સદોષ માનવ વધનો ગુનો નોંધાયો
કેટલાક ધાબે ચઢ્યા, તો કેટલાક પાઈપ પકડીને કૂદ્યા
આગ લાગી તે સમયે કંપનીમાં 200થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. આગ લાગતા જ તમામ કર્મચારીઓએ પોતાનો જીવ બચાવવા દોડધામ કરી મૂકી હતી. કેટલાક લોકો ધાબે ચઢી ગયા હતા. તો કેટલાક લોકો પાઈપ પકડીને નીચે ઉતરવા લાગ્યા હતા. જોકે, ફાયર બ્રિગેડ દ્વારા આગ કાબૂમાં લેવાઈ ત્યાર સુધીમાં તો 100થી વધુ લોકોને હાઈડ્રોલિક ક્રેનની મદદથી રેસ્ક્યૂ કરાયા.
ઘટનામાં બે લોકોના થયા કરૂણ મોત
આગના સમયે જીવ બચાવવા માટે એક કર્મચારી બિલ્ડીંગ સાથે જોડાયેલી પાઈપ પકડીને નીચે ઉતરી રહ્યો હતો, ત્યારે તેનો હાથ પાઈપ પરથી છટકી જતા તે જમીન પર પટકાયો હતો અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે આગ પર કાબૂ મેળવ્યા બાદ પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા બિલ્ડીંગમાં તપાસ હાથ ધરાઈ ત્યારે બેઝમેન્ટમાંથી કર્મચારી સદામ હુસૈન (હાલ,ફેકરરીના 4 માળે મૂળ, જી.સિદ્ધાર્થ નગર ઉ.પ્ર.) મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેનું મોત ગૂંગળામણને કારણે થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ બાદ બન્ને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલાયા હતા.
સાડા ત્રણ કલાકની જહેમત, 10થી વધુ ફાયર એન્જિન્સ
ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ તેમને આગની ઘટના અંગે કોલ મળ્યો હતો, જ્યારબાદ ઘટનાસ્થળે પહોંચતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેના કારણે આસપાસના ફાયર સ્ટેશન્સ પરથી પણ ફાયર એન્જિન્સની મદદ લેવામાં આવી હતી. અંદાજે સાડા ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. જેમાં 10થી વધુ ફાયર એન્જિન્સની મદદ લેવામાં આવી હતી.
ફેકટરી માલિક મુખ્ય દરવાજાને તાળું મારી ગયા હોવાનો આરોપ
ફકેટરીના માલિકે રાત્રીના સમયે ફેકટરીના મુખ્ય દરવાજાના બહારથી તાળું મારી જતા કામદારો નીકળી નહિ શક્યા હોવાનું કામદારોએ જણાવ્યું હતું. આગની જ્વાળામાં ફસાયેલા કામદારો બુમાબુમ કરતા બિલ્ડિંગની છત પર જતાં રહ્યાં હતાં, જ્યાંથી તેમને ક્રેનની મદદથી બચાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો- અમદાવાદના કાલુપુર વિસ્તારમાં ત્રણ માળના મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા લાગી ભીષણ આગ
આ પણ વાંચો- વલસાડ નજીક ગુંદલાવમાં વર્કશોપમાં ભીષણ આગ ભભૂકી ઉઠી : બાઈક અને કાર આગમાં હોમાયા