સુરતઃ શહેરના અમરોલી ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક રિલાયન્સ નગરમાં રહેતો અને અનાજના લોટનો ધંધો કરતા આનંદ ઉર્ફે રાજારામ રામોદર ખરવર ગત રવિવારે પોતાની જ સોસાયટીમાં રહેતા બે મિત્ર વિક્કી મોવાજી ચૌધરી અને પ્રિતમ સાથે તેઓ ધંધાકીય ઉઘરાણી માટે ઓલપાડના ઉમરા ગામ ખાતે ઓટો રીક્ષામાં ગયા હતા. જ્યાંથી તેઓ પરત આવી રહ્યા હતા ત્યારે આનંદ ઉર્ફે રાજારામ ચાલુ રીક્ષાએ ગુટખા ખાઇ પીચકારી મારી હતી અને તે પાછળ મોપેડ પર આવી રહેલા બે મિત્રો પર પડી હતી. જેથી મોપેડ સવાર બે અજાણ્યા યુવાનોએ રીક્ષા અટકાવી આનંદ અને રાજારામને ગાળો આપી હતી. પરંતુ રાજારામે પોતાની ભુલ સ્વીકારી સોરી કહી માફી માંગી લીધી હતી.
થોડા સમય બાદ રાજારામ બંન્ને મિત્રો સાથે ઓટો રીક્ષામાં ઘર તરફ જઇ રહ્યો હતો, ત્યારે મોટા વરાછા જ્યુબીલી ગાર્ડન નજીક દરબાર ફળિયા પાસે મોપેડ સવારે તેમના અન્ય બે મિત્રોને બોલાવી પુનઃ રીક્ષા અટકાવી રાજારામ અને તેના બે મિત્રો સાથે ઝઘડો કર્યો હતો. આ દરમિયાન ત્રણેયએ ભેગા મળી લાકડાના ફટકા વડે માર મારતા રાજારામને માથા અને છાતીના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જેથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવામાં આવતા તેનું મોત થયું હતું. જ્યારે વિક્કી અને પ્રિતમને સામાન્ય ઇજા થઇ હતી. ઘટના અંગે અમરોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જેમાં પોલીસે હત્યા કરનારા વિક્રમસિંહ અજીતસિંહ અટાલીયા, હિતેશ ઉર્ફે હિતલો, અજીતસિંહ અટાલીયા, નવિન ઉર્ફે નવલો ઉર્ફે ડીકે દિયરભાઇ આહીર અને આકાશ ઉર્ફે ભીમ મોહનભાઇ ખરાડીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.