- બારડોલી ડેપો દ્વારા લોકલ અને એક્સપ્રેસ બસોના શેડ્યૂલ રદ્દ કરાયા
- કોરોના મહામારીમાં પ્રવાસીઓમાં થતા ઘટાડાને પગલે લેવાયો નિર્ણય
- STની આવકને પણ પડ્યો મોટો ફટકો
બારડોલી: કોરોનાની મહામારીને કારણે પ્રવાસીઓ નહીં મળવાથી બારડોલી ST ડેપો દ્વારા બસોના અનેક શેડ્યૂલ રદ કરી દેવામાં આવ્યા છે. જેને કારણે, STની આવકને પણ મોટો ફટકો પડી રહ્યો છે. હાલ, એક્સપ્રેસ અને લોકલ મળી માત્ર 30 શેડ્યૂલ ચાલુ હોવાનું ડેપો મેનેજરે જણાવ્યું હતું.
આ પણ વાંચો: કોરોના કાળમાં કોઈ નવી બસો ચાલુ કરવામાં નહીં આવે
સંક્રમણ વધતા પ્રવાસીઓ ઘટ્યા
કોરોનાની મહામારીને કારણે શાળા કોલેજો બંધ છે. આ સાથે જ, લોકો પણ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આમ, વધી રહેલા સંક્રમણને કારણે બારડોલી ST ડેપોને મળતા રોજિંદા પ્રવાસીઓમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે, ડેપો સંચાલિત કેટલાક શેડ્યૂલ હાલ પૂરતા રદ્દ કરવામાં આવ્યા છે.
સામાન્ય દિવસોમાં 80 જેટલા શેડ્યૂલ ચાલતા હતા
ગત વર્ષે લોકડાઉન પહેલા સામાન્ય દિવસોમાં બારડોલી ડેપો દ્વારા 80 જેટલા શેડ્યૂલનું સંચાલન થતું હતું. બાદમાં, લોકડાઉનમાં ST બસો બંધ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ, અનલોક શરૂ થતાં ડેપો દ્વારા તબક્કાવાર ફરીથી 50 જેટલા શેડ્યૂલ શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં, 30 લોકલ અને 20 એક્સપ્રેસ બસો ચાલુ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ભાવનગરથી ઉપડતી એસટી બસ કેન્સલ કરવામાં આવી
એક મહિનાથી કોરોના સંક્રમણમાં આવ્યો ઉછાળો
કોરાનાના સંક્રમણમાં છેલ્લા એક મહિનાથી ફરી ઉછાળો આવતા પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. પ્રવાસીઓ ન મળતા ડેપો દ્વારા કેટલાક શેડ્યૂલ રદ કરી દેવામાં આવ્યા છે.
ડેપોના 7 કર્મચારીઓ કોરોનાની ચપેટમાં
બારડોલી ડેપોના કર્મચારીઓ પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે. ગત અઠવાડિયે ડેપોના 3 કંડક્ટર અને 4 ડ્રાઈવર કોરોના પોઝિટિવ આવ્યા હતા અને તમામની તબિયત સારી છે. હાલ, તેઓ હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.
આ પણ વાંચો: ગીરગઢડામાં ST બસના રૂટો શરૂ ન થતા પંથકવાસીઓ પરેશાન
બારડોલી ડેપોના માત્ર 30 શેડ્યૂલ જ ચાલુ
ડેપો મેનેજર મિલન વાઢેરે જણાવ્યું હતું કે, પ્રવાસીઓની સંખ્યા ઓછી થતા ડેપો દ્વારા કેટલાક શેડ્યૂલ પર કાપ મુકવામાં આવ્યો છે. જે પૈકી, હાલ 20 એક્સપ્રેસ બસોમાંથી 15 અને 30 લોકલમાંથી 15 શેડ્યૂલ જ ચલાવવામાં આવી રહ્યા છે.