સુરતઃ 108ના કર્મચારી દ્વારા તેના મિત્ર જોડે કરવામાં આવેલી ટેલિફૉનિક વાતચીતનો ઓડિયો શહેરમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે આ મામલે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
સમગ્ર ઘટના વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો, વર્ષ 2017માં સુરત ખાતે 108 એમ્બ્યુલન્સ સેવામાં ફરજ બજાવતા રમેશ નામના ડ્રાઇવરે તાજેતરમાં પોતાના મિત્ર સાથે કરેલી ટેલીફૉનિક વાતચીતમાં લોકોમાં વૈમનસ્ય અને ભય ફેલાય તે પ્રકારનું કૃત્ય કર્યું હતું. જેની ઓડિયો ક્લીપ સોશિયલ મીડિયા પર વાઇરલ થતા ક્રાઇમ બ્રાન્ચે એપડેમીક ડીસીઝ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
ક્રાઇમ બ્રાન્ચ અને 108ના અન્ય અધિકારીના જણાવ્યાનુસાર રમેશ નામનો શખ્સ વર્ષ 2017માં 108 એમ્બ્યુલન્સમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો હતો. પરંતુ બાદમાં તે સમયે તેના વર્ણનના કારણે તાત્કાલિક છૂટો કરી દેવામાં આવ્યો હતો. જ્યારે આ ઓડિયો વાઇરલ થયો ત્યારે તેની તપાસ કરાતા આ બાબતની જાણ થઈ હતી.
આ ઓડિયોથી લોકોમાં ખોટું વૈમનસ્ય અને ભય ન ફેલાય તે માટે તાત્કાલિક ધોરણે પગલાં ભરવા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપવામાં આવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે.