- વિધાર્થિનીએ 101 ફૂટના સ્ક્રોલ પેઇન્ટિંગમાં રામ જન્મથી લઈ રાવણવધ સુધીની રામાયણને કંડારી
- જાનવી વેકરીયાએ પાંચ મહિનાની મહેનત બાદ અદભુત પેઈન્ટિંગ તૈયાર કરી
- રામાયણમાં આવતા 15 જેટલા મુખ્ય પ્રસંગોને તેણે પેઇન્ટિંગમાં સમાવ્યા
સુરત : જે ઉંમરમાં મોટા ભાગે વિદ્યાર્થીઓ ગેજેટનો પ્રયોગ કરે છે, તે ઉંમરમાં સુરતની 17 વર્ષીય જાનવી વેકરીયા ભગવાન રામના જીવન ચરિત્ર પર એક અનોખી સ્ક્રોલ પેઈન્ટિંગ તૈયાર કરી છે. જાનવીએ 101 ફૂટ લાંબા કેનવાસ પર ગુજરાતની પરંપરાગત કલા શૈલીમાં ચિત્ર સ્વરૂપે કંડારી છે. જાનવી જ્યારે ધોરણ 9માં હતી ત્યારે આ પેઇન્ટિંગ બનાવવાની શરૂઆત કરી હતી. જ્યારે પણ તેને સમય મળતો હતો ત્યારે તે કેનવાસ પર ભગવાન શ્રી રામના જીવન ચરિત્રને ચિત્રના માધ્યમથી વર્ણન કરતી હતી. તેની આ પેઈન્ટિંગ ધોરણ 12માં આવ્યા પછી પૂર્ણ થઈ છે. ખાસ કરીને કોરોના કાળમાં જ્યારે તેને સમય મળ્યો તેના કારણે જ તે આ પેઈન્ટિંગ કરવાની તક મળી છે, આશરે પાંચ મહિના સુધીનો સમયગાળો આ ચાર વર્ષ દરમિયાન તેને મળ્યો જેમાં તેણે આ ભવ્ય પેઈન્ટિંગ તૈયાર કરી.
નેચર ડ્રાય સોલિડ કલરથી તૈયાર કરાયું પેઈન્ટિંગ
રામજન્મથી લઈને રાવણવધ સુધીના રામાયણમાં આવતા 15 જેટલા મુખ્ય પ્રસંગોને તેણે પેઇન્ટ કર્યા છે. જાનવીના આ પેઈન્ટિંગને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુકમાં સ્થાન મળ્યું છે. ગુરુકુળમાં જઈને અભ્યાસ, સ્વયંવર, સીતા હરણ, લંકા દહન સહિત રાવણ વધને અદભુત કલાકારીથી જાનવીએ કેનવાસમાં સમાવ્યા છે. તેને નાની નાની બાબતો અંગે ધ્યાન રાખ્યું છે. અયોધ્યા અને વનવાસમાં જંગલ કેવું દેખાતું હશે તેની પણ ખૂબ જ કાળજી લઈને ચિત્રકારી કરી છે. નેચર ડ્રાય સોલિડ કલરથી જ તેણે આ પેઈન્ટિંગ બનાવ્યું છે.

આ પણ વાંચો- કલમ 370 નાબૂદ: સુરતના દિવ્યાગે શાનદાર પેઈન્ટિંગ તૈયાર કરી, જૂઓ વીડિયો...
ભગવાન રામના જીવન ચરિત્રનો ઉલ્લેખ
જાનવી વેકરીયાએ જણાવ્યું હતું કે, નાનપણમાં ટીવી પર રામાયણ સીરીયલ જોઈ અને દાદા-દાદી પાસેથી સાંભળેલા રામાયણ કથા અને નાના-નાની દ્વારા બનાવવામાં આવતી પેઇન્ટિંગ આ તમામથી પ્રેરણા લઈને આ ખાસ પેઈન્ટિંગ તૈયાર કરી છે. ભગવાન રામ તમામ લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે, તેઓ હંમેશા સત્યની સાથે રહ્યા છે અને લોકોની મદદ કરતા રહ્યા છે, તેમનાથી હું ખૂબ જ પ્રભાવિત છું. જાનવીની માતા વિભા વેકરિયાએ જણાવ્યું હતું કે, સારું લાગે છે જ્યારે અત્યાધુનિક યુગમાં પણ ગેજેટની સાથોસાથ મારી દીકરીએ આ ભવ્ય પેઈન્ટિંગ તૈયાર કરી છે, જેમાં ભગવાન રામના જીવન ચરિત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે.

જાનવી 'ડોનેટ ફોર નીડી' સંસ્થા પણ ચલાવે છે
જાનવીએ વધુમાં જણાવ્યું હતું કે, તેની ઈચ્છા છે કે તેની આ પેઈન્ટિંગ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં સ્થાન મેળવે અને ખાસ ડિસ્પ્લે રાખવામાં આવે, જેથી ત્યાં આવનારા ભગવાન રામના ભક્તોને એક જગ્યાએ આખી રામકથા જોવા મળે. આ માટે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્ય નાથનો સંપર્ક પણ તે કરશે. જો આ શક્ય નહીં બનશે તો તે આ પેઈન્ટિંગ કરી સેલ કરી રકમ મેળવશે તે પોતાના ચેરીટેબલ ટ્રસ્ટમાં જરૂરિયાત મંદ લોકો માટે આપશે. ઉલ્લેખનીય છે કે, જાનવી ડોનેટ ફોર નીડી સંસ્થા પણ ચલાવે છે, જેમાં તે જરૂરિયાત મંદોને અનાજ કપડાં વગેરે કીટ વિતરણ કરતી હોય છે.