- એક મહિનામાં તાલુકામાં 722 કોરોનાના કેસ નોંધાયા
- 30 દિવસમાં પાંચ ગામોમાં 107 લોકોના થયા મોત થયા હતા
- સરકારી ચોપડે એક મહિનામાં માત્ર 3 મોત નોંધાઇ હતી
સુરતઃ બહુલ આદિવાસી વસ્તી ધરાવતા મહુવા તાલુકામાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. તાલુકાના માત્ર પાંચ ગામોમાં જ છેલ્લા એક મહિનામાં કોરોનાથી બિનસત્તાવાર આંકડા મુજબ 107 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે સત્તાવાર આંકડો જોઈએ તો એક મહિનામાં સમગ્ર તાલુકામાં માત્ર 3 જ મોત બતાવવામાં આવ્યા છે. સમગ્ર ઘટના અંગે આ પાંચ ગામો પૈકી ETV Bharatની ટીમે શેખપુર ગામની મુલાકાત લીધી તો ચોંકવાનારી હકીકતો સામે આવી હતી.
આ પણ વાંચોઃ કોરોના કહેર : એપ્રિલમાં 108 એમ્બ્યુલન્સે 1200 કોરોનાના દર્દીઓને હોસ્પિટલ પહોંચાડ્યા
કોરોનાના કારણે ગામમાં અનેક પરિવારો વિખેરાઇ ગયા
તાલુકા મથક મહુવાથી લગભગ 5 કિમીના અંતરે પ્રકૃતિના ખોળે વસેલા આ ગામને ન જાણે કોની નજર લાગી ગઈ કે, એક જ મહિનામાં 37 લોકોના શંકાસ્પદ મોત થયા છે. કાળમુખા કોરોનાની કારણે કોઈએ જુવાનજોધ દીકરો કે દીકરી ગુમાવ્યા તો કોઈ બાળકોએ માતાપિતાની છત્રછાયા ગુમાવવી પડી હતી. ગામના અનેક પરિવારો વિખેરાઈ ગયા હતા.
ત્રણ સભ્યોનું આખુ પરિવાર કોરોનાના ખપ્પરમાં હોમાઇ ગયું
હનુમાન ફળિયાનું એક આખું પરિવાર જ કોરોનાના ખપ્પરમાં હોમાઇ ગયું હતું. આજે ઘરને તાળું મારવાનો વખત આવ્યો છે. વકીલ એવા ગામના યુવાન મેહુલ પટેલનું 13 એપ્રિલના રોજ કોરોનાને કારણે મોત થયા બાદ દસ જ દિવસની અંદર તેમના પિતા જયંતીભાઈ અને માતા સીતાબેનને પણ કોરોના ભરખી ગયો હતો. ત્રણ સભ્યના આ પરિવારમાં હવે કોઈ બચ્યું નથી.
બે દીકરીએ માતા બાદ હવે પિતાની પણ છત્રછાયા ગુમાવી
કોરોના મહામારીના કારણે ગામમાં ચાર વર્ષ પહેલા બીમારીમાં માતાને ગુમાવનારી બે દીકરીઓના પિતાનું પણ કોરોનાને કારણે નિધન થયું હતું. હાલ બન્ને દીકરીઓ કાકાની છત્રછાયામાં જીવી રહી છે.
નેતાઓ ફરક્યા ન હોવાની રાવ કરી હતી
ગામમાં અચાનક મૃત્યુની સંખ્યા વધતા જિલ્લા આરોગ્ય તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. આરોગ્યની ટીમ દ્વારા ઘરે-ઘરે જઈ રેપીડ ટેસ્ટ, ઇમ્યુનિટી વર્ધક દવાઓ વિતરણ, વેક્સિનેશન સહિત કોરોના સામે રાખવાની સાવચેતી બાબતે ગ્રામજનોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ સ્થાનિક તાલુકા પંચાયતના સભ્યોએ કોરોનાના કપરા કાળમાં ધારાસભ્ય કે સંસદ સભ્ય ફરકયા સુધ્ધાં ન હોવાની રાવ કરી હતી.
આરોગ્યની ટીમ સતત કોમ્બિંગ કરી રહી છે
મહુવા તાલુકામાં વધતા સંક્રમણને અટકાવવા 3 ધનવંતરી રથની ટીમને સતત કામે લગાવવામાં આવી છે તેમજ જે ગામોમાં કોરોનાનું સંક્રમણ વધારે છે, તે તમામ ગામોમાં સર્વેની કામગીરીની સાથે-સાથે ટેસ્ટિંગ પણ ચાલી રહ્યું છે. શેખપુર ગામમાં પણ વધતા કેસને અટકાવવા આરોગ્યની પાંચ ટીમો દ્વારા કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ 2 ધનવંતરી ટીમ પણ ગામમાં ઉતારી દેવામાં આવી છે.
મહુવા તાલુકાની પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર કટિબદ્ધઃ આરોગ્ય પ્રધાન
બારડોલી ખાતે કોવિડ કેર હોસ્પિટલોની મુલાકાતે આવેલા આરોગ્ય પ્રધાન કિશોર કાનાણીને મહુવા તાલુકાના પાંચ ગામની પરિસ્થિતિ અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગની ટીમ કાર્યરત છે તેમજ સંગઠન અને સરકારની ટીમ પણ કાર્ય કરી રહી છે. મહુવા તાલુકામાં જે પરિસ્થિતિ છે તેને પહોંચી વળવા સરકાર કટિબદ્ધ છે.
આ પણ વાંચોઃ કોરોના કહેર : પંચમહાલમાં કોરોનાના 23 નવા કેસો નોંધાતા કુલ આંકડો 3011 પર પહોંચ્યો
મહુવા તાલુકામાં કોવિડ સેન્ટર શરૂ કરવા માગ
કોરોનાની બીજી વેવ સમગ્ર દેશમાં ઘાતક સાબિત થઈ રહી છે, ત્યારે સુરત જિલ્લામાં પણ કપરી પરિસ્થિતિ છે. મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની ટીમ સતત કામ કરી રહી છે. બીજી તરફ મહુવા તાલુકામાં એક કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવે તેવી પણ માગ ઉઠી છે. સમયસર દર્દીઓને સારવાર મળી રહે તો તેમનો જીવ પણ બચાવી શકાય છે.