- સેલવાસમાં વાઇન શોપ પર લાગી લાઇન
- 2 દિવસના લોકડાઉન પહેલા શરાબ ખરીદવા ભીડ
- શનિવાર-રવિવાર સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું
સેલવાસ: સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસમાં આવેલા વાઇન શોપ બહાર શુક્રવારે ભારે ભીડ જોવા મળી હતી. લાઈનમાં ઉભેલા લોકો વાઇન શોપ પર દારૂની ખરીદી કરવા આવ્યાં હતાં. કેમ કે, સંઘપ્રદેશમાં શનિ-રવિવાર એમ 2 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન અમલી બનાવાયું છે. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં કોરોના સંક્રમણ પર રોક લાગે તે માટે સપ્તાહમાં 2 દિવસ શનિવાર અને રવિવારે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ બે દિવસ તમામ બજારો બંધ રહેવાની છે. ત્યારે સેલવાસમાં દારૂના શોખીનોએ દારૂની દુકાનો પર કતાર લગાવી હતી.
આ પણ વાંચોઃ સંઘપ્રદેશમાં શનિ-રવિ વિકેન્ડ કરફ્યુ ફળ્યું, પોઝિટિવ કેસોમાં નોંધપાત્ર ઘટાડો
ધોમધખતા તડકામાં લોકોએ શરાબની ખરીદી કરી
સેલવાસમાં આવેલા મોટાભાગના બાર એન્ડ રેસ્ટોરન્ટ, વાઇનશોપ પર શરાબ શોખીનો શરાબ ખરીદવા પહોંચ્યા હતાં. સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે વાઇન શોપ બહાર લોકોએ લાંબી લાઇન લગાવી હતી. ધોમધખતા તડકામાં લોકોએ શરાબથી પ્યાસ બુઝાવવા શરાબની ખરીદી કરી હતી.
ગુજરાતના લોકો પણ દારૂની ખરીદી કરતા જોવા મળ્યાં
ઉલ્લેખનીય છે કે, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ લિકર ફ્રી ઝોન છે. એટલે અહીંની વાઇનશોપ પર સ્થાનિક લોકો ઉપરાંત ગુજરાતના લોકો પણ દારૂની ખરીદી કરતા જોવા મળ્યા હતા. ત્યારે હાલની કોરોના મહામારીમાં અન્ય રાજ્યોમાં કે જિલ્લામાં ઇન્જેક્શન-ઓક્સિજન-ઉપચાર અને અંતિમ સંસ્કાર માટે વેઇટિંગ બોલાઈ રહ્યું છે. ત્યારે દાદરા નગર હવેલીમાં દારૂની દુકાનો પર શરાબ રસિયાઓએ શરાબ ખરીદવા લાઈનો લગાવી હતી.