- દાદરા અને નગર હવેલીની સ્થાનિક સ્વરાજની ચૂંટણી
- નગરપાલિકાનું 59.90 ટકા મતદાન
- જિલ્લા પંચાયતનું 80.09 ટકા મતદાન
સેલવાસઃ સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલીમાં આજે રવિવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી. જેમાં સેલવાસ નગરપાલિકા તેમજ દાદરા અને નગર હવેલીના જિલ્લા પંચાયત તેમજ ગ્રામ પંચાયત માટેની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત માટે 383 જેટલા બૂથો ઉપરથી 80.09 ટકા મતદાન અને પાલિકાના 15 વોર્ડના 98 બૂથ ઉપરથી 59.90 ટકા મતદાન નોંધાયું હતું.
ગ્રામીણ કક્ષાએ મતદારોમાં વહેલી સવારથી ઉત્સાહ જોવા મળ્યો
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં જિલ્લા પંચાયતની 183 જેટલી ગ્રામ પંચાયત માટે 441 સભ્યો, 61 જિલ્લા પંચાયતના સભ્યો અને ૪૫ જેટલા ગામના સરપંચો માટે 383 જેટલા બૂથો ઉપરથી વહેલી સવારથી મતદાન યોજાયું હતું. વહેલી સવારે 7 વાગ્યાથી લઈને સાંજે સાત વાગ્યા સુધી 1,59,879 કુલ મતદાતા પૈકી 1,28,057 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેથી કુલ 80.09 ટકા મતદાન નોંધાયું હતું.
સેલવાસ પાલિકા માટે શહેરી વિસ્તારમાં ઓછું મતદાન નોંધાયું
સેલવાસ પાલિકાના 15 વોર્ડ માટે ચૂંટણી મેદાનમાં ઉતરેલા 45 ઉમેદવારો માટે આજે 98 મતદાન બૂથ ઉપરથી કુલ 90,600 મતદારો પૈકી 54,265 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી 59.90 ટકા જેટલું મતદાન કર્યું હતું.
કોવિડ-19ને લઈને ખાસ વ્યવસ્થા
કોવિડ-19 મહામારીને લઈને પ્રશાસન દ્વારા મતદાન કરવા આવનારા તમામ માટે ખાસ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી હતી. મતદાન મથકમાં પ્રવેશ આગળ જ સેનિટાઈઝર તેમજ મતદાતાને પ્લાસ્ટિકની પોલીથીન હેન્ડ ગ્લોસ આપવામાં આવ્યા હતા. જેથી કરીને સંક્રમણ ફેલાય નહીં અને આ માટે દરેક મતદાન મથક ઉપર આ તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી
ચૂંટણી પરિણામ 11 નવેમ્બરે
સેલવાસ પાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનું પરિણામ આગામી તારીખ 11 નવેમ્બરનાના રોજ પોલિટેક્નિક કૉલેજ ખાતે વહેલી સવારે 8 વાગ્યાથી શરૂ થશે.