સેલવાસ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સમગ્ર પંથકમાં કોરોનાને કારણે નીરવ શાંતિ પથરાયેલી છે. લોકો જાહેરનામાનો અમલ કરી રહ્યા છે. તેમ છતાં જે લોકો કારણ વગર ઘર બહાર નીકળી રહ્યા છે. તેના પર તવાઈ પણ બોલાવાઈ રહી છે.
કોરોનાને કારણે એક તરફ સેલવાસ સહિત સંઘપ્રદેશના તમામ ગલી, મહોલ્લા, પાર્ક, રમતગમતના મેદાન રખડતાં પશુઓના આશ્રયસ્થાન બની ગયા છે. lockdown એ માનવજીવનને ઘરોમાં જ કેદ કરી દીધા છે. કોરોના વાઇરસની ગંભીરતા જોતા દરેક સાવચેતી રાખી રહ્યા છે, ત્યારે આવા સમયમાં પણ કામ વગર ઘર બહાર લટાર મારવા નીકળેલા વાહનચાલકોમાં 24 વાહનચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. તો, 60 વાહનોને ડિટેઇન કર્યા છે.
સંઘ પ્રશાસન દ્વારા 31 બોર્ડર નાકાઓ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે અને દાદરા નગર હવેલી બહારના વાહનચાલકોને બોર્ડર પરથી જ પરત મોકલાઈ રહ્યાં છે.
સંઘ પ્રદેશ પોલીસ અને પ્રશાસનની ચુસ્તતાને કારણે માર્ગો પર નીકળી રહેલા પ્રવાસી કામદારોની ચહલપહલ પણ ધીરે ધીરે ઘટી રહી છે.