- મોજશોખ માટે બાઇક ચોરતા સગીરની ધરપકડ
- 7 મોટરસાયકલ મળી આવી
- પેટ્રોલ પૂરું થઈ જાય તો બાઇક છોડી બીજી ચોરતો
સેલવાસઃ સેલવાસ પોલીસે વિગતો આપી હતી કે જિતેન્દ્રકુમાર રામબ્રિજ સિંગે ફરિયાદ નોંધાવી હતી કે તેમની DN09-J-6310 નંબરની 50 હજારની કિંમતની મોટર સાયકલ સુરભિ બાર, વિનોબાભાવે હોસ્પિટલ નજીક પાર્ક કરી હતી ત્યારે કોઈ બાઇક ચોર તે ચોરી ગયો છે. આ ફરિયાદ આધારે સેલવાસ પોલીસે ચોરને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ ડાકોરમાં બુટલેગરે ધંધાની અદાવત રાખીને બીજા બુટલેગર પર કર્યો હુમલો
પોલીસ ટીમની સફળતા બદલ અપાશે પુરસ્કાર
DIGP વિક્રમજીત સિંઘના માર્ગદર્શન હેઠળ અને સેલવાસ જિલ્લા પોલીસ વડા હરેશ્વર સ્વામીની સૂચના આધારે પોલીસે મુખ્ય સ્થળો પરના CCTV ફૂટેજ ચેક કર્યા હતાં. તેમજ બાતમીદારો પાસેથી બાતમી એકઠી કરી એક સગીરવયના યુવકની ધરપકડ કરી હતી. યુવકની પૂછપરછ કરતાં તેમણે ફરિયાદીની બાઇક ચોરી હોવાની કબૂલાત કરી હતી. સાથે જ અન્ય 6 બાઇકની ચોરી કરી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. પોલીસે કુલ 7 બાઇક કબજેે કરી હતી.
પેટ્રોલ પૂરું થઈ જાય એટલે બાઇક છોડી દેતો હતો
જ્યારે બાઇક ચોરીમાં પકડાયેલ ચોર સગીર વયનો હોવાથી જુવેનાઈલ જસ્ટિસ બોર્ડના આદેશ આધારે સુરત ઓબ્ઝર્વેશન હોમમાં મોકલી આપ્યો હતો. મળતી વિગતો મુજબ આ સગીર ચોર પોતાના મોજશોખ માટે વિવિધ વિસ્તારમાંથી બાઇકની ચોરી કરતો હતો અને જ્યાં પેટ્રોલ પૂરું થઈ જાય ત્યાં બાઇક છોડીને બીજી બાઇક ચોરી કરીને નાસી જતો હતો. સેલવાસ પોલીસની ટીમે આ ચોરીની ઘટનાનો પર્દાફાશ કરતાં જિલ્લા પોલીસવડાએ તેમને પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચોઃ 18-44 વયજૂથ માટે કેન્દ્રની રસીકરણ નીતિ પક્ષપાતી અને તર્કહીન : સુપ્રીમ કોર્ટ