સેલવાસમાં 31મી ડિસેમ્બરે લોકો વિવિધ વ્યંજનો સાથે મોજમસ્તી કરી શકે અને વર્ષના અંતિમ દિવસને યાદગાર બનાવી શકે, તે માટે તમામ હોટેલોમાં, પાર્ટી પ્લોટમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
સેલવાસમાં પ્રથમ વખત લાસ્ટ નાઈટ પાર્ટીનું આયોજન કરનાર divine eventના આયોજક અશ્વિન પટેલે જણાવ્યું હતું કે, દર વર્ષે સેલવાસમાં જે આયોજન થતા હોય છે, તેમાં મહિલાઓ અને બાળકો માટે યોગ્ય વ્યવસ્થાનો અભાવ હોય છે. આ વાતને ધ્યાનમાં રાખીને અમે ખાસ પાર્ટી નાઇટનું આયોજન કર્યું છે. જેમાં DJ ડાન્સ સાથે વેજ-નોનવેજ વ્યંજનો અને અનલિમિટેડ લિકરની વ્યવસ્થા છે. પાર્ટી દરમિયાન મહિલાઓ માટે અલગ વ્યવસ્થા છે, જ્યારે બાળકો માટે અલગ વ્યવસ્થા છે. જેથી તેમને પણ મનોરંજન મળી શકે. પાર્ટીમાં આવનાર યુવાનો માટે ખાસ ગાયકોને બોલાવામાં આવ્યા છે. જે DJના તાલે સ્ટેજને બદલે લોકો વચ્ચે જઈને પોતાની ગાયકીનો જાદુ પાથરી શકે છે. 31stની પાર્ટીમાં 600 જેટલા પરિવારો આવી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
શહેરની જાણીતી કામત હોટલમાં પણ 31મી ડિસેમ્બરના લાઈવ બેન્ડ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે હોટલ વિટ્સ કામતના સેલ્સ મેનેજર રાકેશ પાંડેએ વિગતો આપતા જણાવ્યું કે, શાનદાર લાઈવ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. હોટેલને રોશનીથી શણગારવામાં આવી છે. બાળકો માટે વિવિધ ગેમ્સનું આયોજન છે. આતશબાજી સાથે ગ્રૃપ ડાન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ઈવેન્ટમાં આવતા મહેમાનો માટે પેકેજ માત્ર રૂપિયા 4999નું રાખ્યું છે. જેમાં લાઈવ બેન્ડના સથવારે નાચગાન કરી ગાલા ડિનરમાં રાખેલા 35 જેટલા વિવિધ વ્યંજનોનો અને આલ્કોહોલનો સ્વાદ માણી શકશે. 31મી ડિસેમ્બરની પાર્ટીમાં માત્ર કપલ માટે જ એન્ટ્રી છે. હાલમાં મોટાભાગનું બુકીંગ થઈ ચૂક્યું છે. તેમ છતાં દેશમાં ચર્ચીત NRC સહિતના મુદ્દાને લઈ બુકીંગ ઓછું થયું છે. જે આગામી દિવસોમાં વધવાનો અંદાજ છે.
ઉલ્લેખનીય છે કે, સંઘપ્રદેશ દમણની જેમ દાદરા નગર હવેલી અને સેલવાસમાં પણ ગુજરાત, મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં લોકો 31મી ડિસેમ્બરની લાસ્ટ નાઈટ પાર્ટીમાં ભાગ લેવા આવે છે.