- રાજકોટના વકીલો દ્વારા ઈ-મેમોને લઈ લેખિત રજૂઆત કરાઈ
- મુખ્યપ્રધાનથી લઈ વડાપ્રધાન સુધી તમામને રજૂઆત
- ઈ-મેમો ખોટી રીતે કનડગત કરવામાં આવતા હોવાનો આક્ષેપ
રાજકોટઃ શહેરમાં ઈ-મેમોનો કનડગતનો વિવાદ વધુને વધુ ઉગ્ર બન્યો છે. યુવા એડવોકેટ દ્વારા જે લડત કરવામાં આવી રહી છે, તેને જોતા હવે રાજકોટના વકીલો દ્વારા મુખ્યપ્રધાનથી લઈ વડાપ્રધાન સુધી તમામને લેખિત રજૂઆત કરવામાં આવી છે, અને ઈ-મેમો ખોટી રીતે કનડગત કરવામાં આવતા હોવાનો આક્ષેપ યુવા વકીલો દ્વારા કરવામાં આવ્યો છે. તમામ કાયદાકીય મુદ્દાઓ, પ્રજાના પ્રશ્નો, આધાર પુરાવાઓ સાથે રજૂઆત કરવામાં આવી છે. સરકારને આનુ યોગ્ય નિરાકરણ કરવાની માંગ કરાઇ છે.

લોકોને આવકના સાધનો ન હોવા છતાં પણ મોટી રકમનો દંડ ભરવા કાયદાથી વિરૂદ્ધ દબાણ કરવામાં આવે છે
છેલ્લા ઘણા સમયથી શહેરના રસ્તા પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. પરંતુ આ કેમેરાનો ઉપયોગ લોકોની વિરૂદ્ધમાં કરવામાં આવી રહ્યો છે. લોકોને આવકના સાધનો ન હોવા છતાં પણ મોટી રકમનો દંડ ભરવા કાયદાથી વિરૂદ્ધ દબાણ કરવામાં આવે છે. લોકોને ઈ-મેમોના દંડની રકમ નહીં ભરવામાં આવે તો ફરિયાદ દાખલ કરવાની અને લાયસન્સ રદ કરવાની, વાહન જપ્ત કરવાની અને વાહન વેચાણ કરવા માટે ટ્રાન્સફર અટાવીશું આ પ્રકારની કાયદા વિરૂદ્ધની સમાજમાં વાતો થઇ રહી છે.

ઈ-મેમો બાબતે લોયર્સ એસોસિએશન દ્વારા હેલ્પલાઇન જાહેર કરી

રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી લોકોને ખોટી રીતે ઈ-મેમો આપવામાં આવે છે, તેનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જાય છે. યુવા લોયર્સ એસોસિએશને જણાવ્યું હતું કે, ઈ-મેમો બાબતે લોયર્સ એસોસિએશન દ્વારા હેલ્પલાઇન જાહેર કરી હતી. જેમાં ઘણા લોકોને ખોટી રીતે ઈ-મેમો ફટકારવામાં આવે છે, ત્યારે કાયદાકીય આધાર પુરાવા સાથે વડાપ્રધાનને રજૂઆત કરી છે. આ અંગે યોગ્ય ઉકેલ લાવવામાં આવે તે અંગે રજૂઆત કરી છે.