રાજકોટઃ શહેરમાં બુધવારે સુપ્રસિદ્ધ ગાયક કલાકાર હેમંત ચૌહાણની પોલીસે અટકાયત કર્યા બાદ જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. આ સમગ્ર બાબતનો અહેવાલ મીડિયામાં રજૂ થયો હતો, પરંતુ આ અંગે હેમંત ચૌહાણે પોતાના ઘરે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મારી બુધવારના રોજ કોઈપણ મામલે પોલીસે અટકાયત કરી નથી અને જ્યારે મારી અટકાયતના સમાચાર આવ્યા ત્યારે હું મારા સ્ટુડિયોમાં હતો.
આ સમગ્ર મામલાની વાત કરતા હેમંત ચૌહાણે જણાવ્યું હતું કે, ભાવિન ખખ્ખર નામનો સ્ટુડિયો સંચાલક તેના પિતા રસિક ખખ્ખરના જુના કેસના આધારે તેમને બદનામ કરી રહ્યા છે. તેમજ મારી તેમની સાથે કોઈપણ ધંધાકીય વ્યવહાર નથી અને કોઈ પણ કરાર થયો નથી તેઓ માત્ર મને ખરાબ ચિતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સમગ્ર મામલે હું માનહાની અને કાયદાકીય કાર્યવાહી કરીશ.