- રાજકોટમાં એક ઇસમ મેડિકલની ડીગ્રી વગર લેબોરેટરી ચલાવતો
- BCA કરેલો ઈસમ લેબોરેટરી ચલાવતો હતો
- ભક્તિનગર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે
રાજકોટઃ રાજકોટ સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપને વધુ એક સફળતા મળી છે. જેમાં શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી ડુપ્લિકેટ લેબોરેટરીની SOG દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આ મામલે પોલીસે એક ઇસમની ધરપકડ પણ કરી છે. રાજકોટ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપને બાતમી મળી હતી. જે દરમિયાન તેઓએ ડમી ગ્રાહકને લેબોરેટરીમાં મોકલ્યો હતો અને લેબોરેટરીમાં બેસેલ ઈસમ દ્વારા રિપોર્ટ કરી આપવામાં આવ્યો હતો. પંચોની હાજરીમાં આ ડીગ્રી વગર બીગ્સ લેબોરેટરી ચલાવતા ઇસમની SOGએ ધરપકડ કરી હતી. તેમજ આ લેબોરેટરીમાં રહેલ તમામ મેડિકલના સાધનોનો કબ્જો કરી આ મામલે ભક્તિનગર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરાઈ છે.
કોઈ પણ મેડિકલની ડીગ્રી વગર લેબોરેટરી શરૂ કરી
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આવેલ ખ્વાજા ચોક નજીક એક ઈસમ કોઈપણ જાતની મેડિકલ ડીગ્રી વગર સ્પર્શ લેબોરેટરી નામે લેબોરેટરી ચલાવીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે અહીં દરોડા પાડ્યા હતા. ત્યારે આ લેબોરેટરીમાંથી ઇર્ષાદ ફિરોઝભાઈ નાકાણી નામનો ઈસમ ઝડપાયો હતો. જેની પાસે કોઈપણ જાતની લેબોરેટરી ચલાવવા માટેની મેડિકલની ડીગ્રી નહોતી. જેને લઈને રાજકોટ SOG દ્વારા આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને ઇસમની ધરપકડ કરી હતી. જ્યારે ભક્તિનગર પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવશે.
રાહદારીઓને ડમી ગ્રાહક બનાવીને પાડી રેડ
રાજકોટ SOGને વિસ્તારમાં ગેરકાયદેસર રીતે લેબોરેટરી શરૂ છે. જેની બાતમી મળતા પોલીસ દ્વારા તાત્કાલિક બે રાહદારીઓને તૈયાર કરવામાં આવ્યા હતા. તેમજ આ બન્ને રાહદારીઓને ડમી ગ્રાહક તરીકે લેબોરેટરીમાં રિપોર્ટ કરવા માટે મોકલવામાં આવ્યા હતા. ડમી ગ્રાહકોએ લેબોરેટરીમાં CBC/CRPનો રિપોર્ટ કરાવ્યો હતો અને લેબોરેટરીમાં રહેલ ઈસમ દ્વારા આ રિપોર્ટના રૂ.400 લેવામાં આવ્યા હતા. ત્યારબાદ રિપોર્ટ આવી જતા ઈસમ દ્વારા રિપોર્ટ પર પોતાની સહી કરીને આ રિપોર્ટ ડમી ગ્રાહકોને આપ્યા હતા. જે સમગ્ર ઘટના બાદ SOG દ્વારા રેડ પાડવામાં આવી હતી અને આખો મામલો બહાર આવ્યો હતો.
BCA કરેલો ઈસમ લેબોરેટરી ચલાવતો હતો
ગેરકાયદેસર રીતે ચાલતી લેબોરેટરીમાંથી ઝડપાયેલ ઇર્ષાદ ફિરોઝભાઈ નાકાણી પાસે લેબોરેટરી ચલાવવા માટે ની જરૂરી મેડિકલની ડીગ્રીઓ ન હતી. જ્યારે BCAનો અભ્યાસ કર્યો અને વિસ્તારમાં આ પ્રકારની ગેરકાયદેસર લેબોરેટરી ધમધમતી કરી હતી. જ્યારે SOGએ લેબોરેટરીમાં રેડ પાડીને અલગ અલગ રિપોર્ટ કરવાના મશીન સહિતનો કુલ 90 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને ઈસમ વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ વાપીમાં પોલીસે એક ઈસમ પાસેથી 500 રૂપિયાની જૂની નોટો કરી જપ્ત
આ પણ વાંચોઃ રાજકોટ : ચોરીના 16 મોબાઈલ સાથે એક ઈસમ ઝડપાયો