- સરકાર દ્વારા નર્મદાના નીર મારફતે આજીડેમ તેમજ ન્યારી ડેમ ભરવામાં આવે છે
- નર્મદાનું પાણી બિલ રાજ્ય સરકાર દ્વારા કોર્પોરેશનને આપવામાં આવ્યું છે
- રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ બિલની ચુકવણી કરવામાં આવી નથી
રાજકોટ: સૌરાષ્ટ્રની સૌથી મોટી સમસ્યા પાણીની રહી છે. એવામાં સરકાર દ્વારા સૌની યોજના બનાવીને નર્મદાના નીર રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ-અલગ ડેમોમાં પહોંચાડવામાં આવી રહ્યા છે, ત્યારે રાજકોટમાં દર વર્ષે પાણીની સમસ્યા સર્જાય છે. સૌની યોજના બાદ કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર પાસેથી સૌની યોજના મારફતે નર્મદાની માંગણી કરવામાં આવે છે અને સરકાર દ્વારા નર્મદાના નીર મારફતે આજીડેમ તેમજ ન્યારી ડેમ ભરવામાં આવે છે. જેને લઇને રાજકોટવાસીઓને પાણીની સમસ્યાનો સામનો કરવો ન પડે, પરંતુ આ સૌની યોજના મારફતે આપવામાં આવતા નર્મદાનું પાણી બિલ રાજ્ય સરકાર દ્વારા કોર્પોરેશનને આપવામાં આવ્યું છે.
સૌની યોજનાના આ પાણીના બિલ મામલે વિવાદ સર્જાયો
આ નર્મદાના પાણીનું બિલ અત્યારસુધીમાં અંદાજીત રૂપિયા 80 કરોડ રૂપિયા જેવું થવા પામે છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ બિલની ચુકવણી કરવામાં આવી નથી. જ્યારે સૌની યોજનાના આ પાણીના બિલ મામલે વિવાદ સર્જાયો હોવાનું પણ સામે આવ્યું છે.
વર્ષ 2017થી આજીનું બિલ રૂપિયા 58 કરોડ બાકી
સૌની યોજના મારફતે દર વર્ષે રાજકોટમાં આજીડેમ તેમજ ન્યારી ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવે છે. ત્યારે સૌની યોજના વર્ષ 2017થી રાજકોટ ખાતે કાર્યરત થઈ છે. જેને લઇને રાજકોટમાં ડેમોમાં જ્યારે પાણી ખૂટી જાય છે. એવામાં મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર પાસે સૌની યોજના મારફતે નર્મદાના નીરની માંગણી કરવામાં આવે છે, ત્યારે વર્ષ 2017થી અત્યારસુધીમાં અંદાજીત 5થી 7 વખત મહાનગરપાલિકા દ્વારા નર્મદાની માંગણી કરવામાં આવી છે, જે રાજ્ય સરકારે પૂરી કરી છે. જે દરમિયાન વર્ષ 2017થી 2021 સુધીનું સૌની યોજના મારફતે લેવામાં આવેલું બિલ રૂપિયા 58 કરોડ 16 લાખ જેટલું થવા પામ્યું છે. જેની ચુકવણી હજુ પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી નથી.
ન્યારી ડેમ 1નું બિલ રૂપિયા 22 કરોડ 33 લાખ
સૌની યોજના બન્યા બાદ નર્મદાના નીરનું પાણી રાજકોટના અલગ-અલગ જળાશયોમાં ઠાલવવામાં આવે છે. જેમાંથી આજી ડેમ 1 અને ન્યારી ડેમ 1માં અત્યારસુધી સૌની યોજના મારફતે નર્મદાના નીર આવ્યા છે, ત્યારે ન્યારી ડેમ 1માં વર્ષ 2019થી પ્રથમવાર સૌની યોજનાનું પાણી લેવામાં આવ્યું હતું. જ્યારે વર્ષ 2019થી વર્ષ 2021 સુધી એટલે કે અત્યાર સુધીમાં સૌની યોજના દ્વારા નર્મદાના પાણીના રૂપિયા 22 કરોડ 30 લાખનું બિલ રાજકોટ મહાનગરપાલિકાને આપ્યું છે.
આજી ડેમ અને ન્યારી ડેમ બન્નેના બિલ મળીને અંદાજીત રૂપિયા 80 કરોડ
આમ માત્ર સૌની યોજનાના જ પાણીના આજી ડેમ અને ન્યારી ડેમ બન્નેના બિલ મળીને અંદાજીત રૂપિયા 80 કરોડ જેટલું થવા પામ્યું છે. જેને હજુ સુધી મહાનગરપાલિકા દ્વારા ભરવામાં આવ્યું નથી. જ્યારે એવી પણ વાત સામે આવી છે કે, સૌની યોજના તેમજ સિંચાઇ વિભાગ બન્નેએ એક જ પાણીના બે-બે બિલ મહાનગરપાલિકાને આપ્યા છે જે મામલે વિવાદ સર્જાયો છે.
સૌની યોજના મારફતે નર્મદાના નીરની માંગણી કરવામાં આવે છે
રાજકોટના જળાશયોમાં જ્યારે પાણીનો સ્ત્રોત ઘટી જાય છે, ત્યારે સૌની યોજના મારફતે નર્મદાના નીરની માંગણી કરવામાં આવે છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા પણ સૌની યોજના મારફતે નર્મદાના નીર આજીડેમમાં ઠલવાય છે અને તેમને સંપૂર્ણ રીતે ભરવામાં આવે છે. ત્યારે આ નર્મદાના નિરનું પાણીનું બિલ સૌની યોજના દ્વારા મહાનગરપાલિકાને આપવામાં આવે છે.
એક જ પાણીના બે-બે વાર બિલ આપવામાં આવ્યા
આ સાથે આજીડેમ હજુ પણ સંપૂર્ણ રીતે રાજકોટ મહાનગરપાલિકાના માલિકીનો ન હોવાના કારણે સિંચાઈ વિભાગ પણ એક જ પાણીનું બીજું બીલ મહાનગરપાલિકાને આપે છે, એટલે કે એક ને એક પાણીના બે-બે બીલ રાજકોટ મહાનગરપાલિકાને આપવામાં આવે છે. જેને લઇને સમગ્ર વિવાદ સર્જાયો છે, ત્યારે હજુ પણ આ બિલની ચુકવણી કરવામાં આવી નથી.
રાજકોટમાં વર્ષ 1958માં આજીડેમનું નિર્માણ થયું
સમગ્ર મામલે રાજકોટ મનપાના ડેપ્યુટી એન્જીનીયર ચેતન મોરીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં વર્ષ 1958માં આજીડેમનું નિર્માણ થયું. ત્યારે મુંબઈ સરકાર અસ્તિત્વમાં હતી. ત્યારબાદ ગુજરાત સરકાર આવી અને રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપના થઇ હતી. 1858થી સિંચાઇ વિભાગ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા અને પાણી માટેનું બીલ આપવામાં આવે છે. જ્યારે આજીડેમનું નિર્માણ થયું ત્યારબાદ વર્ષ 1882 સુધી નિયમિત રીતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડેમનો નિભાવ ખર્ચ, પાણીનો ખર્ચ અને ડેમ બનાવવાના ખર્ચ સહિતનું ચુકવણું સિંચાઇ વિભાગને કરવામાં આવ્યું હતું.
આજીડેમની માલિકી હજુ સુધી નક્કી થઈ નથી
વર્ષ 1982માં મહાનગરપાલિકા દ્વારા એવી માંગણી કરવામાં આવી છે કે, અમે ડેમનો તમામ ખર્ચ ચૂકવી દીધો છે એટલે હવે આ ડેમ રાજકોટ મહાનગરપાલિકાને સોંપવામાં આવે, પરંતુ હજુ સુધી સરકાર દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈને આજીડેમની માલિકી હજુ સુધી નક્કી થઈ નથી. જે વિવાદ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આ વિવાદને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણીના બિલનું ચુકવણું કરવામાં આવ્યું નથી.