- રાજકોટમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટએ દીધી દસ્તક ?
- વેરિયન્ટના 2 કેસ નોંધાયા હોવાની ભારે ચર્ચા
- સત્તાવાર રીતે આરોગ્ય તંત્ર દ્વારા કોઇ જાહેરાત નહિં
રાજકોટ : દેશમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની મહામારી ( Corona Virus Pandemic )ના કારણે દેશની અર્થવ્યવસ્થા પડી ભાંગી છે, ત્યારે કોરોનાની બીજી લહેર દરમિયાન મોટાભાગના દર્દીઓ કોરોનાની ઝપેટમાં આવતા સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં પણ બેડની સંખ્યા પણ ભરાઈ ગઈ હતી, તેમજ દર્દીઓ ઓક્સિજનના બાટલા લઈને ઘરે સારવાર લેવા માટે મજબૂર બન્યા હતા, ત્યારે તેવામાં હજુ પણ કોરોનાની બીજી લહેર સંપૂર્ણ રીતે દેશમાંથી ગઈ નથી. દેશમાં હવે કોરોના વાયરસનું નવું સ્વરૂપ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ( Delta Plus Variant )એ દસ્તક દીધી છે. જેના 2 કેસ રાજકોટમાં નોંધાયા હોવાની ભારે ચર્ચા જાગી છે.
રાજકોટમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના બે કેસ નોંધાયા
કોરોનાની બીજી લહેર દરમિયાન રાજકોટમાં દરરોજ 500થી 700 નવા પોઝિટિવ કેસ જોવા મળતા હતા, ત્યારે રાજકોટમાં હાલ કોરોનાની બીજી લહેરના કેસમાં ભારોભાર ઘટાડો આવ્યો છે અને દરરોજ હવે 4થી 5 નવા કોરોના પોઝિટિવ કેસ જોવા મળી રહ્યા છે, ત્યારે બીજી બાજુ રાજકોટમાં કોરોનાનું નવું સ્વરૂપ એવા ડેલ્ટા પલ્સ વેરિયન્ટના 2 નવા કેસ નોંધાયા છે. જેની હાલ ભારે ચર્ચાઓ થઈ રહી છે. જોકે ડેલ્ટા પલ્સ વેરિયન્ટના કેસ નોંધાતા તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી.
આ પણ વાંચો: સુરતના દર્દીએ હોમ આઇસોલેશનમાં જ ઘાતક Delta Plus Variantને આપી મ્હાત
ડેલ્ટા પ્લસ વેરિયન્ટની કોઈ વાત નહિં : સિવિલ સુપ્રિટેન્ડેન્ટ
રાજકોટ સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર આર.એસ. ત્રિવેદીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ડેલ્ટા પલ્સ વેરિયન્ટ સિવિલ હોસ્પિટલમાં ક્યાં જોવા મળ્યો નથી. આ માત્ર વાતો જ છે. ઉલ્લેખનીય છે કે, સત્તાવાર રીતે આરોગ્ય તંત્ર દ્વારા કોઇ જાણ કરવામાં આવી નથી. આ ઉપરાંત, રાજકોટમાં મ્યુકરમાઇકોસિસના કેસ પણ વધારે પ્રમાણમાં જોવા મળ્યા હતા.