રાજકોટઃ જિલ્લામાં ગોંડલ પંથકમાં કોરોનાના કેસ ખૂબ જ વધી રહ્યા છે, ત્યારે આવા સંજોગોમાં પોઝિટિવ દર્દીને રાજકોટ લઇ જવામાં કેટલીક વખત એમ્બ્યુલન્સ પણ ન મળતી હોય, તે વાત ગોંડલના મહારાજા જ્યોતીન્દ્રસિંહજી સાહેબ તેમજ યુવરાજ હિમાંશુસિંહજી સાહેબને ધ્યાને આવતા તેમણે ગોંડલના કોઈ કોરોના પોઝિટિવ દર્દીને એમ્બ્યુલન્સ બાબતે જીવ જોખમમાં ન મૂકાય તે ઉમદા હેતુથી તાત્કાલિક નવી એમ્બ્યુલન્સ ગોંડલને ભેટ આપવાનું નક્કી કર્યું હતું.
પરંતુ એમ્બ્યુલન્સમાં દરેક કંપનીના વેઇટિંગ ચાલતું હોય અને જો ગોંડલને સમયસર એમ્બ્યુલન્સ ન મળે તો કોઈ દર્દીનો જીવ જોખમમાં મુકાઈ જાય તેમ હોવાથી આવા સંજોગોમાં ગોંડલના વર્તમાન મહારાજા જ્યોતીન્દ્રસિંહજી સાહેબે પોતે જે ટોયોટા ઇનોવા કાર ઉપયોગમાં લે છે તે કારને જ એમ્બ્યુલન્સ બનાવી ડેપ્યુટી કલેકટરને અર્પણ કરી હતી અને આરોગ્ય વિભાગને સોપવામાં આવી હતી.
આજના લોકશાહીના યુગમાં પણ ગોંડલની પ્રજાએ રાજાશાહીના દર્શન કર્યા હતા. આવી વિકટ પરિસ્થિતિમાં પણ રાજવી પરિવારે ગોંડલની પ્રજાની ચિંતા કરી તે સરાહનીય છે.
ગોંડલ પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીનું સૂત્ર હતું કે "સૌથી પહેલા ગોંડલ" અને "પોતાના પહેલા બીજા" એ સૂત્રને સાર્થક રાજવી પરિવારે કર્યું છે. દેશમાં જ્યારે જ્યારે વિકટ પરિસ્થિતિ આવી છે, ત્યારે ગોંડલના રાજવી પરિવારે સહયોગ આપ્યો છે.
1934માં રાજાશાહી વખતમાં બિહારના વિનાશક ભૂકંપ સમયે સંકટ નિવારવા મહારાજા ભગવતસિંહજી તરફથી 1 લાખ રૂપિયાની બાદશાહી સહાય કરી હતી. તેમજ ક્વેટા ધરતીકંપમાં પણ 1 લાખની સહાય કરી હતી.
આ તકે ઉપસ્થિત યુવરાજ હિમાંશુસિંહજી તેમજ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ગોંડલ નગરપાલિકાના પ્રમુખ અશોકભાઇ પીપળીયા, કારોબારી અધ્યક્ષ પૃથ્વીસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા તેમજ ગોંડલ શહેર તેમજ તાલુકા મામલતદાર, ગોંડલ સીટી PI, આરોગ્ય વિભાગના ડોક્ટર ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.