- રંગોલી પાર્કના પ્રાથમિક સુવિધાનો અભાવ
- સ્થાનિકો મનપાની ચૂંટણીનો કરશે બહિષ્કાર
- 'કોઈપણ રાજકીય પક્ષોએ મત માંગવા આવવું નહીં'ના બેનર્સ સોસાયટી બહાર લગાવ્યાં
રાજકોટ : મનપાની ચૂંટણીઓને લઈ તમામ રાજકીય પક્ષો પ્રચાર પ્રસારની તૈયારીમાં જોડાઇ ગયા છે. રાજકીય પક્ષના કાર્યકર્તાઓ પ્રચાર કરવા માટે લોકો વચ્ચે પહોંચી રહ્યા છે. પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે રંગોલી પાર્કનાં સ્થાનિકોએ મતદાનનો બહિષ્કાર કરવાનું જાહેર કર્યું છે. એટલું જ નહીં આ અંગે સોસાયટીની બહાર બેનરો પણ લગાવ્યા છે. બેનરોમાં કોઈપણ રાજકીય પક્ષોએ મત માંગવા આવવું નહીં' તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેને લઈને ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો ચિંતામાં મૂકાયા છે.
પાણી સહિતની પ્રાથમિક સુવિધાની માગ પૂરી ન થતાં હવે કરશે ચૂંટણીનો બહિષ્કાર
રંગોલી પાર્કના સ્થાનિકોના જણાવ્યા મુજબ, વર્ષ 2016થી તેમને પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે, પરંતુ નેતા ચૂંટણી સમયે દેખાય છે. અવાર નવાર પાણી ન મળતાની રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં પણ કોઈ સાંભળતું નથી અને જવાબદારો દ્વારા હાથ ઉંચા કરી દેવામાં આવે છે. કલેક્ટર સહિત સ્થાનિક નેતાઓને પણ અનેકવાર આ અંગે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ સુધી આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. જેને લઈને રંગોલી સોસાયટીના સ્થાનિકો દ્વારા મતદાનનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.