- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર બન્યા GGUના નવા કુલપતિ
- શિક્ષણક્ષેત્રે ધરાવે છે 29 વર્ષનો બહોળો અનુભવ
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની યશકલગીમાં મોરપીંછ ઉમેરાયું
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર ડો. આલોક કુમાર ચક્રવાલની બિલાસપુરના ગુરુ ઘાસીદાસ કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયના નવા કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા આ નિમણૂક કરવામાં આવી છે. ડો.આલોક કુમાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં પ્રોફેસર તરીકે પોતાની ફરજ બનાવતા હતા. જેમની કુલપતિ તરીકે નિમણૂક થતા તેમના મિત્રો અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરો તેમજ કર્મચારીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. અગાઉ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરજ બજાવી ચૂકેલા પ્રોફેસરો આ મુકામ પર પહોંચ્યા છે. ત્યારે હવે આ હરોળમાં વધુ એક નામ ઉમેરાયું છે.
29 વર્ષનો અનુભવ
ડો. આલોક કુમાર ચક્રવાલે એમ.કોમ, PHDનો અભ્યાસ કર્યો છે અને હાલમાં તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં પ્રોફેસર તરીકે કાર્યરત છે. જ્યારે તેઓ શિક્ષણક્ષેત્રે 29 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. તેમને અનેક વિષયો પર રિસર્ચ પણ કર્યું છે અને વિવિધ નામાંકિત સંસ્થાઓ સાથે કામ પણ કર્યું છે. ડો. આલોક કુમાર ચક્રવાલને હવે શિક્ષણ વિભાગ દ્વારા કુલપતિ તરીકેની જવાબદારી આપવામાં આવી છે. જેને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગૌરવ વધ્યું છે.
3 વખત જીત્યા છે ગોલ્ડ મેડલ
ડો. આલોક કુમાર ચક્રવાલને શિક્ષણના અનુભવ સાથે તેઓ દેશ વિદેશના પ્રવાસે પણ જઈ આવ્યા છે. જેમાં UK, USA, થાઈલેન્ડ અને નેપાળ જેવા દેશોનો સમાવેશ થાય છે. જ્યારે તેઓ 3 જેટલા ગોલ્ડ મેડલ પણ જીતી ચૂક્યા છે. ડો. આલોક કુમારને રિસર્ચ અંગેનો પણ ખાસ્સો એવો અનુભવ છે. જ્યારે તેમની હવે બિલાસપુરના ગુરુ ઘાસીદાસ કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયના નવા કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવી છે.