- રાજકોટના તબીબ કોરોનાગ્રસ્ત પત્ની સાથે દર્દીઓની પણ રાખી રહ્યા છે સંભાળ
- પત્ની કોરોનાગ્રસ્ત થતા પરિવાર અને દર્દીઓની જવાબદારી ઉઠાવી શિરે
- કોરોના મહામારીમાં તબીબોની આ પ્રકારની કામગીરી બિરદાવવાલાયક
રાજકોટ: કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ વધારે હોવાથી અમારી જવાબદારી ખૂબ જ વધી ગઈ હોવાનું સમરસ ડેડીકેટેડ હેલ્થ સેન્ટરના ઇન્ચાર્જ ડૉ. મેહુલ પરમાર જણાવે છે. છેલ્લા 2 માસથી આ હોસ્પિટલ ખાતે ડૉ. મેહુલ પરમાર અને ડૉ. કેતન પીપળીયાના માર્ગદર્શન હેઠળ 2200થી વધારે ગંભીર દર્દીઓ સમરસ ખાતે દાખલ થઈને સારવાર લઈ ચૂક્યાં છે.
આવા સમયે પી.ડી.યુ મેડિકલ કોલેજની પી.એસ.એમ. ફેકલ્ટીના એસોસિએટ પ્રોફેસર તેમના પત્ની ડૉ. હર્ષા સોલંકીને સિવિલ હોસ્પિટલમાં કોવિડ ડ્યૂટી દરમિયાન કોરોના પોઝિટિવ આવતા તેમને સમરસ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં ડૉ. મેહુલ ડ્યૂટીની સાથો-સાથ તેમના પત્ની ડો. હર્ષાનું સારી રીતે ધ્યાન રાખી રહ્યા છે.
આ પણ વાંચો: 21 દિવસના સંઘર્ષ બાદ રાજકોટના 80 વર્ષિય વૃદ્ધાએ કોરોનાને આપી માત
પત્નીની સાથે પરિવારની પણ જવાબદારી
હોસ્પિટલની જવાબદારીની સાથે સાથે ડૉ. મેહુલના પરિવારમાં પત્ની છે, જે હાલમાં કોરોના પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત 75 વર્ષીય તેમના પિતા હાઇપર ટેન્શન અને ફેફસાની તકલીફથી પીડાય છે. જ્યારે, 65 વર્ષીય માતાને ડાયાબિટીસની તકલીફ હોવાથી તેમની સારસંભાળ અને 10 વર્ષના પુત્રની જવાબદારી પણ હાલ ડો. મેહુલના શિરે છે. મૂળ તો સિવિલમાં ગાયનેક વિભાગમાં ફરજનિષ્ઠ એવા ડૉ. પરમારને કોરોનાની પ્રથમ લહેર વખતે પણ સમરસમાં કોવિડ કેર સેન્ટરમા નિયુક્ત કરવામાં આવ્યા હતાં. હવે બીજી લહેર વખતે પણ તેઓ સમરસ ડેડીકેટેડ હેલ્થ સેન્ટરમાં ‘‘દર્દી નારાયણ ભવોઃ’’ ના સૂત્ર સાથે સમગ્ર દેશને પરિવાર ગણી સેવામાં જીવ રેડીને ફરજ બજાવી રહ્યા છે.
આ પણ વાંચો: ઓક્સિજન લેવલ ઘટીને 56 સુધી પહોંચ્યા બાદ પણ મહિલા દર્દીએ કોરોનાને માત આપી
દર્દી સાજા થાય તે જ અમારા માટે ગોલ્ડ મેડલ
દર્દી જ્યારે સાજા થઈ તેમની આંખોમાં જે હર્ષ અને કૃતજ્ઞતાની લાગણી જોવા મળે છે, તેને જ ગોલ્ડ મેડલ ગણી અનેક મેડલ્સથી સન્માનિત થયાની લાગણી ડો. મેહુલ અનુભવે છે અને હાલની પરિસ્થિતમાં ઈશ્વરે જ તેમને આ ભૂમિકા ભજવવા મોકલ્યો હશે, તેમ માનીને તેઓ મનોમન ઈશ્વરનો આભાર માને છે. અત્યારના સમયમાં ડોક્ટર દર્દીઓના જીવનની નૈયાને પાર કરવા તેમનું સમગ્ર અસ્તિત્વ લગાવી રહ્યા છે. ત્યારે આપણને ડોક્ટરમાં ઈશ્વરની અનુભૂતિ થવી જોઈએ.