- 25 એપ્રિલથી બંધ હતું ધોરાજી માર્કેટિંગ યાર્ડ
- માર્કેટિંગ યાર્ડમાં કામ કરતાં પરપ્રાંતીય મજૂરો પણ પોતાના વતનથી પરત ફર્યાં
- મર્યાદિત સંખ્યામાં જ ખેડૂતોને મળી રહયો છે પ્રવેશ
રાજકોટ: જિલ્લાનું ધોરાજી માર્કેટિંગ યાર્ડ એટલે કે APMC કોરોના વાઇરસની મહમારીને અને તૌકતે વાવાઝોડાના કારણે સરકારની ગાઈડલાઇન મુજબ ગત 25 એપ્રિલથી બંધ રાખવામાં આવેલ હતું. ત્યારે ધોરાજીમાં કોરોના વાઇરસના કેસમાં ઘટાડો આવતા ધોરાજી માર્કેટિંગ યાર્ડ ફરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: જૂનાગઢ એપીએમસી આગામી 24 મે સોમવારથી ફરી થશે શરુ
હાલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉં-ચણાની ખરીદી બંધ
માર્કેટિંગ યાર્ડમાં કામ કરતા પરપ્રાંતીય મજૂરો કોરોના મહામારીને કારણે પોતાના વતન ચાલ્યાં ગયાં હતા, પરંતુ તેઓ પણ પરત પોતાના કામના સ્થળે એટલે કે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં પરત ફર્યા હતા. જેના લીધે માર્કેટિંગ યાર્ડના વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમજ હાલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉં-ચણાની ખરીદી બંધ રાખવામાં આવી છે જે બે-ત્રણ દિવસ પછી શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: જામનગર હાપા માર્કેટ યાર્ડ બહાર લાંબી કતારો, આવતીકાલથી શરુ થશે
કોરોના અંગેની ગાઈડલાઇન્સ સાથે ખેડૂતો અને વેપારીઓને પ્રવેશ
ધોરાજી માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી ભુપત કોયાણી દ્વારા ETV BHARAT ને જણાવવામાં આવ્યું હતું કે યાર્ડ ગત 25 એપ્રિલના રોજથી બંધ હતું તેમજ હવે ફરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવતા અને કોરોના મહામારીનું સંક્રમણ ઘટતા સરકારની કોરોના અંગેની ગાઈડલાઇન્સને ધ્યાનમાં રાખીને ખેડૂતો અને વેપારીઓને પ્રવેશ આપવામાં આવે છે. સાથે જ કોરોના સંક્રમણ ન ફેલાય તેને ધ્યાનમાં રાખીને માર્કેટિંગ યાર્ડમાં મર્યાદિત સંખ્યામાં જ ખેડૂતોને પોતાની જણસી વેચવા માટે જાણ કરવામાં આવી છે.