- 222મી જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી
- વિરપુરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો
- વિરપુરવાસીઓ દ્વારા યોજવામાં આવી શોભાયાત્રા
- દેશ વિદેશમાંથી જલરમાબાપના ભાવિકો ઉમટી પડ્યા
ન્યુઝ ડેસ્ક: જલરમાબાપની કર્મભૂમિ એવા વિરપુરમાં જાણે દિવાળી હોય તેવું લાગી રહ્યું હતું. ઠેરઠેર રંગોળી અને ઘરેઘરે આસોપાલવના તોરણ બંધાયા હતા. તેમજ ફટાકડા ફોડીને જલરમાબાપના જન્મદિનના વધામણાં પણ કરવામાં આવ્યા હતા. પૂજ્ય જલારામબાપામાં અપાર શ્રધ્ધાને લઈને ભક્તો દ્વારા સમગ્ર દુનિયાના લોકોના દુઃખ દૂર થાય અને કોરોના જેવી ભયાનક બીમારી ફરી ન આવે તેવી પ્રાર્થના કરી હતી.
રાજકોટના વીરપુરમાં ધામધૂમપૂર્વક ઉજવણી
ગુજરાતના સંત શિરોમણિ જલારામબાપાની આજે 222મી જન્મજયંતી નિમિત્તે રાજકોટ જિલ્લાના વિરપુરમાં દેશ-વિદેશમાંથી ભવિકોના ઘોડાપુર ઉમટી પડ્યાં હતાં. કોરોનાકાળ બાદ પ્રથમવાર જલરમાબાપની જન્મજયંતીની જાહેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિરપુરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. વહેલી સવારથી જ જલારામબાપાના દર્શન કરવા માટે ભક્તજનોની લાંબી કતારો જોવા મળી હતી. આ પ્રસંગને લઈને વિરપુરવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અને વિરપુર ગામની દીકરીઓ દ્વારા શોભાયાત્રામાં રાસ-ગરબાની રમઝટ બોલાવાય હતી. તેમજ જલારામબાપાની જન્મજયંતી નિમિત્તે નીકળેલ શોભાયાત્રાનું ઠેરઠેર સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.
ગોધરા ખાતે મર્યાદિત સંખ્યામાં ભક્તોની હાજરીમાં ઉજવણી
ગોધરા શહેરના વાવડી બુઝર્ગ વિસ્તારમાં આવેલા શ્રી જલારામ મંદિર ખાતે આજરોજ ૨૨૨ મી જલારામ જયંતિની ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, સરકાર દ્વારા કોરોના ગાઈડ લાઈન્સમાં છૂટછાટ આપવામાં આવી છે, જેને લઇને મર્યાદિત સંખ્યામાં ભક્તોની હાજરીમાં જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, કોરોના મહામારીને કારણે જલારામ બાપાની શોભાયાત્રા ચાલુ વર્ષે મોકૂફ રાખવામાં આવી હતી, માત્ર મહાઆરતી અને પાદુકાપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું, બીજી તરફ દરવર્ષે યોજવામાં આવતા મહાપ્રસાદીનો કાર્યક્રમ પણ મોફૂક રાખવામાં આવ્યો હતો, બે વર્ષ બાદ જલારામ જયંતિની ઉજવણી થતાં મોટી સંખ્યામાં ગોધરા શહેરના ભક્તો જલારામ બાપાના દર્શનાર્થે ઉમટી પડયા હતા.
મોરબીમાં જલારામ બાપાની જન્મજયંતીની શ્રદ્ધાપૂર્ણ ઉજવણી: નેપાળી મહિલાઓના હસ્તે કેક કટિંગ કરાયું
મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે પુ. જલારામ બાપાની ૨૨૨ મી જન્મજયંતી નિમિત્તે ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દર વર્ષની જેમ વિશેષ વ્યક્તિના હસ્તે કેક કટિંગ કરાયું હતું જેમાં આ વર્ષે શહેરમાં કામ કરતી નેપાળી મહિલાઓને અતિથી વિશેષ તરીકે આમંત્રિત કરીને તેમના હસ્તે કેક કટિંગ કરી ઉજવણી કરવામાં આવી હતી. મોરબીના જલારામ પ્રાર્થના મંદિરે જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે સવારે પ્રભાત ધૂન, અન્નકૂટ દર્શન કાર્યક્રમ યોજાયો હતો તેમજ નેપાળી મહિલાઓને બહુમાન આપીને તેમના હસ્તે કેક કટિંગ કરવામાં આવ્યું હતું અને મહાઆરતી તેમજ મહાપ્રસાદ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જલારામ મંદિર ખાતે આજે ભક્તોના ઘોડાપુર ઉમટી પડ્યા હતા અને જલારામ જયંતી નિમિતે પ્રસાદ લઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી તે ઉપરાંત સાંજે વૈદિક યજ્ઞ અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો ભક્તોએ લાભ લીધો હતો.
પાટણમાં સાદગી પૂર્ણ રીતે ઉજવાયો જલારામ જ્યંતી મહોત્સવ: જૂજ ભક્તોએ બાપનું પારણું જુલાવ્યું
પાટણ શહેરમાં પુજ્ય જલારામ બાપાની જન્મ જયંતિ મહોત્સવ ભક્તોની પાંખી હાજરી વચ્ચે ઉજવવામાં આવ્યો હતો. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા મંદિરમાં વધુ ભીડ એકત્ર ન થાય તેમ જ લોકો વચ્ચે સામાજિક અંતર જળવાઈ રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઓછી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રદ્ધાળુઓએ બાપાનુ પારણુ ઝુલાવવાની અને આરતીની વિધિ સંપન્ન કરી હતી. દર વર્ષે યોજાતા રામનામ જપ, સંતવાણી કાર્યક્રમ, શોભાયાત્રા, સાંજની 108 દીવાની મહાઆરતી તેમજ ભોજન સમારંભ સહિતના કાર્યક્રમો મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને બંધ રાખવામાં આવ્યા હતા અને સાદગીપૂર્ણ રીતે જૂજ ભક્તોની હાજરીમાં જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
જામનગર: 7 ફૂટનો રોટલા દર્શન સાથે હાપામાં જલારામ જન્મ જયંતીની ભવ્ય ઉજવણી
જલારામ બાપાની જન્મ જયંતી નિમિતે આજે જામનગરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો થકી જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના હાપા જલારામ મંદિર ખાતે 7x7 ફૂટના રોટલાના દર્શન રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ લોહાણા મહાજન સમાજ વાડી ખાતે બ્રાહ્મણોને મિસ્તાન ભોજન રાખવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણોએ ભોજન કર્યું હતું. આ તકે લોહાણા સમાજના અગ્રણી જીતુભાઈ લાલ દ્વારા જલારામ બાપાની આરતી ઉતારવામાં આવી હતી અને ઉપસ્થિત તમામ બ્રાહ્મણોને પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી. વર્ષોથી હાપામાં આવેલ જલારામ મંદિર ખાતે અન્ન શેત્ર ચલાવવામાં આવે છે. લોહાણા સમાજની વસ્તી ગણતરી કરવા માટે અગ્રણી જીતુભાઈ લાલના હસ્તે વેબસાઈટ પણ લોન્ચ કરવામાં આવી હતી. જેમાં લોહાણા સમાજના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાંજે સાધના કોલોનીમાં આવેલ જલારામ મંદિર ખાતેથી વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જે શોભાયાત્રાનું હાપા ખાતે આવેલ જલારામ મંદિર ખાતે પૂર્ણાહુતિ થઇ હતી..