- રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલનો મહત્વનો નિર્ણય
- રાત્રી કરફ્યુ સિવાય લગ્નની મંજુરીની જરુર નહિ
- લગ્નમાં કામ કરનારા લોકો સહિત માત્ર 100 લોકોની મંજૂરી
- રાજકોટ પોલીસમાં લગ્નની મંજૂરી માટે 2,200 અરજીઓ
રાજકોટઃ ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટમાં દિવાળી બાદ કોરોના પોઝિટિવ કેસ વધતા રાજ્ય સરકાર દ્વારા રાત્રી કરફ્યૂ લાદવામાં આવ્યો છે. જ્યારે દિવાળી બાદ લગ્નની સિઝન હોવાથી શહેરમાં વસવાટ કરતા લોકો પણ રાત્રી કરફ્યુને લઈ મુંજાયા હતા. ત્યારે હવે શહેર પોલીસ દ્વારા કરફ્યુ દરમિયાન લગ્ન કરવા ઇચ્છુક લોકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દિવસમાં લગ્ન માટે હવેથી પોલીસ મંજૂરીની જરૂર નહીં
રાજકોટ ઝોન-2ના ડીસીપી મનોહરસિંહ જાડેજાએ આ મામલે જણાવ્યું હતું કે, રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ રાજકોટમાં દિવસ દરમિયાન લગ્ન કરતા લોકોને હવેથી પોલીસની મંજૂરી લેવી પડશે નહિ, પરંતુ તેમને રાત્રે 9 વાગ્યા પહેલા જ લગ્નની તમામ વિધિ પૂર્ણ કરીને પોતાના ઘરે પહોંચી જવું પડશે. આથી રાજકોટમાં હાલ કરફ્યુના માહોલમાં જે લોકો લગ્ન કરી રહ્યા છે તેમને પોલીસની મંજૂરી લેવી પડશે નહિ. જ્યારે બીજા નીતિ નિયમ અગાઉ મુજબ યથાવત રાખવામાં આવ્યા છે.
માત્ર રાજકોટ શહેરમાં જ લગ્ન મંજૂરી માટે 2,200 અરજીઓ આવી
દિવાળી બાદ લગ્નની સિઝન શરૂ થઈ છે. ત્યારે અગાઉ પણ કોરોના સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા લોકડાઉનને લઈને મોટાભાગના લોકોએ લગ્ન કરવાનું ટાળ્યું હતું. જ્યારે સરકાર દ્વારા 200 માણસોની મંજૂરી આપતા લગ્ન કરવા ઇચ્છુક લોકોએ આ દરમિયાન લગ્નનું આયોજન કર્યું હતું. પરંતુ દિવાળી બાદ કોરોનાના પોઝિટિવ કેસ વધતા સરકાર દ્વારા રાજકોટ સહિતના ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યુ લાદવામાં આવ્યું છે. આથી ચારેય મહાનગરોમાં રાત્રી કરફ્યુ સિવાયના સમયમાં લગ્ન યોજવા માટે 100 માણસોની મંજૂરી નક્કી આપવામાં આવી છે. આથી પણ લોકોમાં નિરાશા જોવા મળી રહી છે. રાજકોટ શહેરની માત્ર વાત કરીએ તો અત્યાર સુધીમાં 2200 જેટકી લગ્ન મંજૂરી માટેની અરજી આવી હતી. જેમાંથી મોટાભાગના લોકોને મંજૂરી અપાઈ ગઈ હોવાનું પણ પોલીસ તંત્રએ જણાવ્યું છે.
મંજૂરીની જરુર નહિ છતાં પોલીસ તંત્ર લગ્ન પ્રસંગ પર રાખશે નજર
રાજકોટ પોલીસ દ્વારા શહેરમાં લગ્ન કરવા ઇચ્છુક લોકોને દિવસ દરમિયાન યોજાતા લગ્ન માટે મંજૂરીની જરુર ન હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જાહેર કરવામાં આવ્યું છે કે, શહેરમાં કામ કરનારા અને લગ્નમાં હાજર તમામ લોકો મળીને 100 લોકો જ થવા જોઈએ. લગ્ન માટે કરફ્યુ દરમિયાન એટકે કે રાત્રીના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કોઈ જ પ્રકારની છૂટ આપવામાં આવી નથી. લગ્નમાં ભાગ લેનારા અને લગ્નમાં કામ કરનારા તમામ વ્યક્તિઓએ રાતના 9 વાગ્યા પહેલાજ પોતાના ઘરે પહોંચી જવું અથવા પોલીસ દ્વારા તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે પોલીસ દ્વારા પણ શહેરના યોજાતા લગ્ન પ્રસંગ પર નજર રાખવામાં આવશે અને જરૂર જણાશે તો રસોયા તેમજ લગ્નમાં કામ કરનારા લોકોની પૂછપરછ પણ કરવામાં આવશે.