રાજકોટઃ બહુચર્ચિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીની જાતીય સતામણી મામલે આજે 2 પ્રોફેસર તેમજ 1 કલાર્ક સહિત 3 કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક ભૂતપૂર્વ વિદ્યાર્થીની દ્વારા કુલપતિને ઈ-મેલ મારફતે ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં તેને પ્રોફેસર દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનું ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેને લઇને યુનિવર્સિટી દ્વારા આ સમગ્ર મામલે તપાસના આદેશ અપાયા હતા. ત્યારબાદ આજે આ મામલે 2 પ્રોફેસર તેમજ 1 કલાર્કને તાત્કાલિક ધોરણથી છૂટા કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ઉપલેટાની એક M.P.Edની વિદ્યાર્થિનીએ પ્રોફેસર વિક્રમ વંકાણી અને ભગીરથસિંહ સામે જાતીય સતામણી અંગેની અરજી કરી હતી. આ અરજીને ધ્યાને રાખીને કુલપતિ દ્વારા બંને પ્રોફેસર અને એક પ્લેસમેન્ટ ક્લાર્ક પૃથ્વીરાજસિંહ રાણાને તાત્કાલિક અસરથી છૂટા કરવામાં આવ્યા છે. આ ત્રણેય શારીરિક શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા હતા.
હાલ આ મામલે કુલપતિ દ્વારા જણાવાયું હતું કે, ફરિયાદના આધારે કરાર આધારિત 2 પ્રોફેસર અને ક્લાર્કને તપાસ દરમિયાન નિશ્ચિત નિર્ણય ન કરી શકીએ ત્યાં સુધી યુનિવર્સિટીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે.