રાજકોટઃ હોમ આઇસોલેશનના સમયગાળા દરમિયાન ઓનલાઇન શિક્ષણ થકી કોરોનામુક્ત થવાના અનુભવને વર્ણવતા સ્મિતે જણાવ્યું કે,"મને કોરોના થયો એટલે હું પહેલા તો ડરી ગયો હતો પણ મારા પપ્પા અને કાકા એ મને સમજાવ્યું કે, કોરોનાથી ડરવાની જરૂર નથી. તું તારા અભ્યાસમાં ધ્યાન આપ. બસ, જ્યારથી મને કોરોના થયો છે એ વિચારવાનું જ મે બંધ કરી દીધું. હું નવમાં ધોરણમાં અભ્યાસ કરું છું, દરરોજ બધા ઓનલાઇન લેક્ચર્સમાં હાજરી આપી દરેક વિષયને વિગતવાર સમજીને શિક્ષકો દ્વારા આપતા હોમવર્કને હું સમયસર પૂર્ણ કરતો હતો અને જયારે કોઈ વિષયમાં કંઈ ન સમજાય ત્યારે મારા શિક્ષકોનો સંપર્ક કરીને પ્રશ્નનો ઉત્તર પણ મેળવતો હતો, આમને આમ ક્યારે મારો 14 દિવસનો આઇસોલેશનનો સમયગાળો પૂર્ણ થઇ ગયો તેની મને ખબર જ ન પડી.’
આઇસોલેશનના આ સમયગાળા દરમિયાન દરરોજ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત હેલ્થ સેન્ટરમાંથી નિયમિત પણે દિવસમાં બે વાર ફોન કરી અમારી તબિયતની પૂછપરછ કરવામાં આવતી હતી. ધન્વંતરિ રથના આરોગ્યકર્મીઓ દ્વારા પણ અમને સમયસર આયુર્વેદિક ઉકાળા અને દવાઓ આપવામાં આવતી હતી. તેમની આ સમયસર હોમ આઇસોલેશનની સેવા-સારવારથી અમે બધા કોરોનામુક્ત થયા છીએ. હું મારી જેમ અન્ય વિદ્યાર્થીઓને પણ એક જ સલાહ આપીશ કે કોરોનાથી બિલકુલ ડરવાની જરૂર નથી. આપણે સૌ ધ્યાન દઈને અભ્યાસ કરીએ અને સરકારની માર્ગદર્શિકાઓનું પાલન કરીએ તો ચોક્કસ કોરોનાના સંક્રમણથી બચી શકાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્મિતની સાથે તેના દાદી, પપ્પા અને કાકા પણ હોમ આઇસોલેશનમાં મળેલી યોગ્ય સારવારથી કોરોના મુક્ત થયા છે. આમ કોરોના સામે મજબૂત મનોબળ થકી ઓનલાઇન શિક્ષણમાં ધ્યાન કેન્દ્રિત કરીને સ્મિત ભટ્ટે કોરોનાને મ્હાત આપી અન્ય બાળ દર્દીઓ માટે પ્રેરણારૂપ બન્યો છે.