- 900થી વધુ ટ્રેક્ટરના ફેરાનું બોગસ બિલ મૂકવામાં આવ્યું
- યુનિવર્સિટી દ્વારા પાંચ સભ્યોની ટીમ બનાવાઈ
- આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
રાજકોટ: બહુચર્ચિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં કચરો અને માટી નાખવા અંગેની કામગીરી દરમિયાન 900થી વધુ ટ્રેક્ટરના ફેરા કર્યાનું બોગસ બિલ મૂકીને 7.50 લાખ રૂપિયા મંજુર કરવામાં આવ્યા છે. આ કામ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જુદી જુદી જગ્યાએ જરૂરિયાત પ્રમાણે માટી નાખવાની હતી, આ કામ માટે ન ટેન્ડર પ્રક્રિયા કરાઈ અને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો નથી. કોન્ટ્રાક્ટરને મૌખિક રીતે જ શારીરિક શિક્ષણ નિયામક દ્વારા કામ સોંપાયું અને બિલ સીધું જ પાસ કરી દેવામાં આવ્યું. ત્યારબાદ આ કામમાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: Soil theft scam - પહાડ ગામના ગૌચર જમીનમાંથી 1500 ટ્રક માટી ચોરીનું કૌભાંડ, તપાસની ઉઠી માગ
બિલમાં ટ્રેક્ટરની જગ્યાએ કારના નંબર નીકળ્યા
સ્પોર્ટ્સ સંકુલમાં માટી અને કચરાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાના કામમાં જે ટ્રેક્ટરના 900થી વધુ ફેરા બોગસ બિલમાં દર્શાવવામાં આવ્યા છે, તેમાં એવી પણ વાત સામે આવી રહી છે કે, આ ટ્રેક્ટરના નંબર ખોટા છે અને તેની જગ્યાએ આ નંબર એક કારના હોવાનું સામે આવ્યું છે. જે પણ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યું છે. બિલમાં GJ3 HK 7271 નંબરનું ટ્રેક્ટર દર્શાવવામાં આવ્યું છે, પરંતુ આ નંબર ટ્રેક્ટરનો નહીં પણ અલ્ટો કારનો છે.
આ પણ વાંચો: ખેડામાં ગૌચરની જમીનમાં ખોદકામ કરી માટી બારોબાર વેચવાનું કૌભાંડ ઝડપાયું
કાયદેસરની કાર્યવાહી કરાશે: ઉપકુલપતિ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટ્સ સંકુલમાં સામે આવેલા માટી કૌભાંડને લઈને યુનિવર્સિટીના કુલપતિ ડો. વિજય દેસાણી જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા માટી કામમાં આચરવામાં આવેલી ગેરરીતિને લઇને પાંચ સભ્યોની ટીમની રચના કરવામાં આવી છે. આ સભ્યોની ટીમ તમામ બાબતોની ચકાસણી કરશે અને તપાસ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આ મામલે રિપોર્ટ આપશે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ કૌભાંડમાં જે પણ લોકોનો સમાવેશ થતો હશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.