રાજકોટઃ શહેરમાં ક્રિએશન નામનું સલૂન ધરાવતા યોગેશ વાંજાએ પોતાના સ્ટાફ માટે આગામી દિવસો માટે ખાસ સલૂનમાં આવતા ગ્રાહકોની સુરક્ષા લઈને ડિસ્પોઝેબલ સૂટ બનાવવાનો નિર્ણય કર્યો છે.
જેનો ઓર્ડર પણ અમદાવાદની કંપનીને આપી દીધો છે. જેનો પ્રથમ તબક્કામાં અંદાજીત 500 જેટલી કીટ આવશે. જ્યારે લોકડાઉન ખુલે ત્યારે આ કીટ આવશે.
ક્રિએશન સલૂનના સંચાલક યોગશે વાંજા સાથે ઇટીવી ભારતે વાતચીત કરતા તેમને જણાવ્યુ હતુ કે, હાલ કોરોના વાઇરસના કારણે લોકોમાં પણ ભય ફેલાયો છે. ત્યારે કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર દરમિયાન પણ ડોકટર પણ પ્રોટેક્શન કીટ પહેરે છે.

એવી રીતે અમને પણ અમારા સલૂનમાં આવતા તમામ ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે આ પ્રકરની કીટ બનાવવાનો નિર્ણય કર્યો છે. તેમજ આગમી દિવસોમાં જે વસ્તુ સલૂનમાં ઉપયોગમાં આવે છે તેને પણ ડિસ્પોઝેબલ બનાવવાનો નિર્ણય કર્યો છે.

એટલે કે સલૂનમાં વપરાતા સાધનો રેઝર, કેપ, નેપકીન સહિતની વસ્તુઓ હવેથી ડિસ્પોઝેબલ બનાવવામાં આવશે. જેને લઈને માત્ર એક જ વખત તેનો ઉપયોગ થઈ શકશે. આ કિટના કારણે અહીં આવતા ગ્રાહકોમાં પણ કોરોના વાઇરસનો ચેપ લાગવાની શક્યતાઓ રહેશે નહીં. હાલ સલૂનને ખોલવાની છૂટ આપી નથી માટે આ કામ અટક્યું છે. જે લોકડાઉન પૂર્ણ થઈ જશે એટલે કીટ રાજકોટ ખાતે તૈયાર થઈને આવી જશે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાઇરસના ચેપના કારણે વિશ્વમાં લાખો લોકોના મોત થઈ રહ્યા છે. ત્યારે રાજકોટના સલૂન માલિક દ્વારા આ પ્રકારની કીટનો ઉપયોગ આગામી દિવસોમાં કરવામાં આવનાર છે. જે એક ઉદાહરણરૂપ સાબિત થઈ શકે છે.


