- રાજકોટમાં કોંગ્રેસની ખાડા પૂરવાની મહેનત રંગ લાવી
- કોર્પોરેશને રસ્તાઓનો સર્વે કરાવ્યો
- શહેરના 900 રસ્તાઓનું ચોમાસા બાદ સમારકામ થશે
રાજકોટઃ રાજકોટમાં 15 દિવસ અગાઉ 12થી 15 ઈંચ જેટલો વરસાદ માત્ર એક જ દિવસમાં ખાબક્યો હતો. જેમાં શહેરમાં રોડ રસ્તાઓને વ્યાપક નુકશાન થવા પામ્યું છે. જ્યારે રાજકોટના અલગ અલગ વિસ્તારમાં આવેલા મુખ્ય રોડ સહિતના નાના નાના કેટલાય રસ્તાઓનું ધોવાણ પણ થઈ ગયું છે. જ્યારે બાકી બચેલા રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. એવામાં હાલ રસ્તાઓ પરથી વાહન લઈને જઈએ તો અકસ્માત થવાનો ભય પણ જોવા મળી રહ્યું છે. એવામાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ શહેરમાં રોડ રસ્તાઓના નુકશાન લઈને સર્વે કરવામાં આવ્યો હતો. તેમજ આગામી દિવસોમાં રાજકોટમાં રસ્તાઓનું સમારકામ (Road repairing in Rajkot) પણ શરૂ કરવામાં આવશે.
900થી વધુ રસ્તાઓનો કરવામાં આવ્યો સર્વે
રાજકોટમાં ભારે વરસાદ બાદ થયેલા રોડ રસ્તાઓને નુકશાન મામલે મનપા કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં 913 રોડ પર ખાડાનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. તેમજ આગામી દિવસોમાં કોર્પોરેશન દ્વારા 2546 ચોરસ મીટર રસ્તાનું રિપરિંગ કરવામાં આવશે. જ્યારે ગેરેન્ટીવાળા રોડ રસ્તાઓનું સમારકામ કોન્ટ્રાકટરે જ કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં અગાઉ મનપા દ્વારા રસ્તાઓ બનાવવાનું કામ વિવિધ કોન્ટ્રાક્ટરોને અપાયું હતું અને તેમના દ્વારા ગેરંટી વાળા રોડ રસ્તાઓ બનાવામાં આવ્યાં હતાં પરંતુ ભારે વરસાદના કારણે તે પણ તૂટી ગયાં હતાં.
ચોમાસા બાદ રસ્તા નવા બનાવવામાં આવશે
મનપા કમિશનર અમિત અરોરા દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે હાલ કોર્પોરેશન દ્વારા રોડ પર મેટલિંગ કરીને તેનું સમારકામ કરાવવામાં આવી રહ્યું છે. જ્યારે આગામી દિવસોમાં ચોમાસુ ગયા બાદ શહેરમાં જ્યાં પણ જરૂર હશે ત્યાં તાત્કાલિક નવા રસ્તાઓ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલમાં રાજકોટના રાજમાર્ગો પર નીકળવું મુશ્કેલ બની ગયું છે. શહેરના રાજમાર્ગો અને સોસાયટીઓમાં ખાડાના કારણે વાહનચાલકો પરેશાન છે, લોકોની કમર તૂટી રહી છે ત્યારે વહેલી તકે ખાડા પૂરવામાં આવે અથવા તો નવા રોડ બનાવવામાં આવે તેવી શહેરીજનોએ માગ કરી છે..
વિપક્ષ દ્વારા પણ તૂટેલા રસ્તાઓને લઈને કરાયું હતું અભિયાન
રાજકોટ શહેરમાં ભારે વરસાદ આવ્યા બાદ શહેરમાં મોટાભાગના રસ્તાઓને વ્યાપક નુકસાન થયું છે. જ્યારે શહેરના મુખ્ય રોડ પર મોટા મોટા ખાડાઓ અને ગાબડાઓ જોવા મળી રહ્યાં છે. આ સાથે જ શેરીઓ ગલીઓના રસ્તાઓનું ધોવાણ પણ કેટલીક જગ્યાએ થઈ ગયું છે. એવામાં કોર્પોરેશન દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી નહી કરવામાં આવતા રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા રોડ રસ્તાઓ મામલે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં દરરોજ શહેરના અલગ-અલગ મુખ્ય માર્ગનું સમારકામ કોંગી નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યું હતું. જ્યારે શહેરીજનોમાં પણ રસ્તાઓ મામલે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં કોંગ્રેસે 'ખાડા પૂરો અભિયાન' અંતર્ગત વોર્ડ નં. 12માં ખાડા પૂર્યા
આ પણ વાંચોઃ લો બોલો, રાજકોટ શહેર પ્રમુખે રોડના ખાડા પૂર્યા