1) મહાનગરપાલિકાની ચૂંટણીમાં 72માંથી 68 બેઠક પર ભાજપની જીત
રાજકોટ (Rajkot Year Ender 2021) માં ફેબ્રુઆરી 2012માં મહાનગરપાલિકાની ચૂંટણી (Important event 2021) યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપને 68 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 4 બેઠકો જ ગઈ હતી. મનપાની ચૂંટણી દરમિયાન ભારે રસાકસી જોવા મળી હતી પરંતુ 72માંથી 68 બેઠકો પર ભાજપની જીત થતા મનપામાં ભાજપની ફરી એક વખત સત્તા આવી છે.
2) નામાંકિત હોટલમાંથી જુગારધામ ઝડપાયું
રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલ ઇમ્પિરિયલ હોટેલના એક રૂમમાંથી ક્રાઇમબ્રાન્ચ દ્વારા જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું હતું. જે મામલે ક્રાઇમબ્રાન્ચે 10 જેટલા જુગારીની ધરપકડ કરી હતી. જ્યારે આ હોટેલમાં ઇન્ટરનેશનલ ક્રિકેટરો પણ રોકાય છે તેવી હાઈપ્રોફાઈલ હોટેલમાં જુગારધામની વાત સામે આવતા શહેરભરમાં ચકચાર મચી જવા પામી હતી.
3) સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું માટી કૌભાંડ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આ વર્ષે ઘણા વિવાદો (Saurashtra university controversy) સામે આવ્યા હતા. જેમાં સૌથી વધુ ચર્ચિત કૌભાંડ હોય તો તે માટી કૌભાંડ હતું. યુનિવર્સિટીમાં બ્યુટીફીકેશનના કામ માટે કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું હતું. જ્યારે આ કોન્ટ્રાક્ટ દ્વારા ગ્રાઉન્ડમાં માટીના ફેરામાં ગડબડ કરી હતી. જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઓડિટ વિભાગ દ્વારા જ ઝડપી પાડવામાં આવી હતી અને યુનિવર્સિટીમાં માટી કૌભાંડ સામે આવ્યા બાદ વિવિધ વિદ્યાર્થી સંગઠન દ્વારા પણ તેનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.
4) રાજકોટ શહેર ભાજપનો આંતરિક વિવાદ
રાજકોટ શહેર ભાજપનો આંતરિક વિવાદ શહેરના સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન સામે આવ્યો હતો. જ્યારે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા દ્વારા એવી રજુઆત કરવામાં આવી હતી કે, પક્ષમાં જુઠવાદના કારણે મને પાર્ટીના કાર્યકર્તાઓ મળવા આવતા નથી. જ્યારે રાજકોટ ભાજપમાં અમુક નેતાઓનું જ માનવામાં આવે છે. આ રાજકોટ શહેર ભાજપનો આંતરીક વિવાદ ઉડીને આંખે વળગ્યો હતો.
5) સ્ટોન કિલર ઉર્ફ હિતેશ રામાવત બે કેસમાં નિર્દોષ જાહેર
રાજકોટમાં પથ્થરો વડે ત્રણ લોકોની હત્યા કરનાર એવા સ્ટોન કિલર ઉર્ફ હિતેશ રામાવતને રાજકોટ કોર્ટ દ્વારા બે કેસમાં પુરાવાના અભાવે નિર્દોષ છોડવામાં આવ્યો, હિતેશ રામાવતે શહેરના અલગ અલગ વિસ્તારમાં લોકો પર પથ્થરના ઘા મારીને હત્યા નિપજાવી હતી, હિતેશ બે કેસમાં પુરાવાના અભાવે નિર્દોષ જાહેર થતા વકીલ આલમમાં દુઃખની લાગણી ફેલાઇ હતી.
6) ગ્રામપંચાયતની ચૂંટણીમાં મતદારને પોલીસે માર્યો માર
રાજકોટ સહિત રાજ્યભરમાં ગ્રામપંચાયતની ચૂંટણી (Rajkot Gram Panchayat Election 2021)યોજાઈ હતી. આ ચૂંટણી દરમિયાન જિલ્લાના વીરપુર ખાતે એક મતદારને બુથ પર ફરજમાં રહેલ પોલીસ કર્મીએ ઢોર માર માર્યો હતો. જ્યારે મતદાન પ્રક્રિયા દરમિયાન આ ઘટના સર્જાઈ હતી. જે રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની હતી. જ્યારે સમગ્ર મામલાની જાણ જિલ્લા પોલીસ વડાને થતા તેમના દ્વારા પોલીસ કર્મીની તાત્કાલિક અન્ય સ્થળે બદલી કરવામાં આવી હતી.
7) સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખ 400 કર્મીઓને છુટા કરાયા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નોન ટીચિંગ વિભાગમાં કામ કરતા 400 જેટલા કરાર આધારિત કોન્ટ્રાક્ટ કર્મચારીઓને એકી સાથે છૂટા કરવામાં આવ્યા હતા. જ્યારે યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓને છુટા કરાયાની ઘટના પ્રકાશમાં આવી હતી. જેના કારણે હાહાકાર મચી જવા પામ્યો હતો. હજુ પણ આ કર્મચારીઓને પરત નોકરી પર લેવામાં આવ્યા નથી.
8) રાજ્યમાં સૌપ્રથમ રાજકોટમાં રસ્તાઓ પરથી નોનવેજ લારીઓ દૂર કરાઈ
રાજ્યમાં સૌપ્રથમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો તેમજ ધાર્મિક સ્થળોની આસપાસ નોનવેજ અને ઇંડાઓની લારીઓ દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને તેની અમલવારી પણ કરવામાં આવી હતી. જ્યારે રાજકોટ બાદ અન્ય શહેરના કોર્પોરેશન દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ખૂબ જ વિવાદ થયો હતો અને રાજ્ય સરકારે આ મામલે દખલગીરી કરવી પડી હતી.