રાજકોટ: લોધિકાના મોટાવડા ગામે રહેતા યોગેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા નામના શખ્સે તેની વાડીની ઓરડીમાં ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ચાલુ કરી હોવાની પોલીસને ચોક્કસ માહિતી મળી (Rajkot police seized duplicate liquor factory) હતી. આ માહિતીના આધારે લોધિકા પોલીસ મથકના પી.આઇ કે.કે.જાડેજા સહિતના કાફલાએ દરોડો પાડ્યો હતો.
બાઈક પર ભાગવા જતા ઝડપાયો બૂટલેગર: બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા જ એક શખ્સ બાઇક પર નાસી જવાની ફિરાકમાં હતો, ત્યારે પોલીસે તેને કોર્ડન કરી પકડી પાડ્યો હતો. જેમાં ઝડપાયેલ વ્યક્તિની પૂછપરછ કરતા તે યોગેન્દ્રસિંહ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેને સાથે રાખીને પોલીસે વાડીની ઓરડીમાં તપાસ કરતા અંદરથી પ્લાસ્ટિકના કોથળાઓ, કેરબાઓ જોવા મળ્યા હતા.
નકલી વિદેશી દારૂ બનાવવાની સામગ્રી: તપાસ દરમિયાન પોલીસને અંદર એક પ્લાસ્ટિકની ટાંકી પણ જોવા મળી હતી. તેમને ચેક કરવામાં આવતા અંદરથી કેફી પ્રવાહીની વાસ આવતી હતી. તેમજ ત્યાંથી વિદેશી દારૂની મેકડોવેલ્સ નં.1 બ્રાન્ડની વિદેશી દારુના સ્ટિકર, રેપર, બોક્સ મળી આવ્યા હતા. જેથી વાડીની ઓરડીમાંથી નકલી વિદેશી દારૂ (duplicate liquor factory at lodhika) બનાવવાની સામગ્રી, વિદેશી દારૂ જેવું કેફી પ્રવાહી ભરેલી 60 બોટલ, 385 લિટર કેફી પ્રવાહી ભરેલા કેરબા મળીને કુલ રૂ.25 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ પણ વાંચો: ATSએ કર્યા ખૂલાસા ક્યાંથી આવ્યું ને ક્યાં જતું હતું તે અંગે આપી માહિતી
સાથે જ સકંજામાં આવેલા યોગેન્દ્રસિંહની પૂછપરછ કરતા પોતે અને રાજકોટના નવલનગર-2માં રહેતા કાકાનો દીકરો દિગ્વિજયસિંહ જાડેજા શામેલ હોવાનું જણાયું હતું. નકલી વિદેશી દારૂ બનાવી પેકિંગ કરી છેલ્લા બે દિવસથી વેચાણ ચાલુ કર્યાની કબૂલાત આપી હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં આ અગાઉ એટ્રોસિટીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા યોગેન્દ્રસિંહની પોલીસે વધુ પૂછપરછમાં તે તેમના જ પિતરાઇભાઇ સાથે મળી ઇથેનોલ, નોન આલ્કોહોલિક બીયર, સીરપ, ફ્લેવર મિક્સ કરી નકલી વિદેશી દારૂ બનાવતા હોવાનું તેમજ નકલી વિદેશી દારૂની તૈયાર થયેલી 60 બોટલ દિગ્વિજયસિંહ વેચાણ કરવા જવાનો હોવાની વિગતો આપી છે.
આ પણ વાંચો: ડ્રગ્સ કનેક્શનમાં સુરતથી એકની કરાઇ અટકાયત
આ ઘટનામાં જો લોધિકા પોલીસના ધ્યાને આ નકલી દારૂ બનાવતી ફેક્ટરી ન આવી હોત તો વધુ એક લઠ્ઠાકાંડની સ્થિતિ સર્જાઇ ગઈ હોત. હાલ તો આ બ્રાન્ડેડ કંપનીના સ્ટિકર, રેપર, બોક્સ વગેરે ક્યાંથી લાવતા, ક્યાં વેચાણ કરવાના હતા તેમજ ખરેખર તેમના દ્વારા જણાવ્યા મુજબ બે દિવસથી આ કામ ચાલુ કર્યું છે કે કેમ, તે તમામ બાબતો સહિતની વિગતો બહાર લાવવા પકડાયેલા યોગેન્દ્રસિંહની ધરપકડ કરીને પોલીસે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. સાથે જ દિગ્વિજયસિંહ જાડેજાને ઝડપવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે કરેલ આ રેડથી લઠ્ઠાકાંડ થતા અટકી ગયો છે.