રાજકોટઃ હાલ કેરીની સિઝન છે ત્યારે રાજકોટમાં મોટા પ્રમાણમાં કેરીનો વેપાર થઈ રહ્યો છે. જેને લઈને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા કાર્બાઇડથી પકવતા કેરીના વેપારીઓને ત્યાં દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ દરોડામાંં આજે સોમવારે રાજકોટના હનુમાનમઢી ચોક નજીક આવેલ રોયલ ફ્રૂટ શોપમાંથી ફૂડ વિભાગ દ્વારા 1600 કિલોગ્રામ કાર્બાઇડથી પકવેલી કેરીનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.
આ સાથે જ શોપમાંથી અઢી કિલો કાર્બાઇનનો જથ્થો પણ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ શોપ રમીઝ મુસ્તાકભાઈ બુખારીની છે. હાલ ફૂડ વિભાગ દ્વારા આ તમામ કેરીના જથ્થાનો નાશ કરી વધુ કાર્યવાહી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, હાલ કેરીની સિઝન હોય વેપારીઓ દ્વારા વધુ નાણા કમાવાની લાલચમાં લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવી રહ્યા હોવાની ઘટના રાજકોટમાં જોવા મળી રહી છે.