- ઓમીક્રોન વાયરસને લઈને સિવિલ તંત્ર સજ્જ, 840થી વધુ બેડની વ્યવસ્થા
- હોસ્પિટલમાં 7 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત
- રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફની અછત નહીં
રાજકોટ: હજુ પણ વિશ્વમાંથી કોરોના વાયરસ સંપૂર્ણ રીતે ગયો નથી, ત્યાં કોરોના વાયરસના નવા નવા વેરિયન્ટ (south africa corona new variant) સામે આવી રહ્યાં છે. હાલ વિશ્વમાં ઓમીક્રોન વેરિયન્ટ (New Omicron Variant ) ખૂબ જ આતંક મચાવી રહ્યો છે, જેને લઈને ભારતમાં પણ આ નવા કોરોના વેરિયન્ટના કેસને લઇને આરોગ્ય સંસ્થાઓ ચિંતિત બની છે, જોકે હજુ સુધી આ નવા વેરિયન્ટનો એક પણ કેસ સામે આવ્યો નથી, પરંતુ તે પહેલા તમામ હોસ્પિટલોને એલર્ટ કરવામાં આવી છે, જ્યારે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital Rajkot) પણ ઓમીક્રોન વેરિયન્ટ (omicron variant)લઈને સિવિલ તંત્ર સજ્જ થયું છે. જેમાં 840થી વધુ બેડની વ્યવસ્થા હાલ કરવામાં આવી છે, આ સાથે કોઈ પણ પરિસ્થિતિ સામે લડવા માટે સિવિલ હોસ્પિટલ તૈયાર છે.
આ પણ વાંચો: Omicron variant: રાહુલ ગાંધીએ નવા વેરિયન્ટને ગણાવ્યો ગંભીર ખતરો, કેન્દ્રને વેક્સિનેશનને લઈ કરી ટકોર
સિવિલ હોસ્પિટલમાં 840 જેટલા બેડ
હાલ નવા ઓમીક્રોનને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલ સજ્જ બન્યું છે, સિવિલ હોસ્પિટલમાં અત્યારે કોરોનાના એક પણ દર્દી દાખલ નથી, જ્યારે ત્રીજી લહેર માટે સિવિલ હોસ્પિટલ દ્વારા 840 જેટલા બેડ તૈયાર કરવામાં આવ્યા હતા, જે હજુ પણ યથાવત રાખવામાં આવ્યા છે. આ સાથે જ રાજકોટ સિવિલ હોસ્પિટલ બહાર ચૌધરી હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે પોર્ટેબલ 100 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી રહી છે એટલે કે આ 100 બેડ પણ કોઇપણ ઇમરજન્સી વખતે ઉપયોગમાં લઇ શકાશે, હાલ 200થી વધુ વેન્ટિલેટર વાળા બેડ સહિત કુલ 840 જેટલા બેડ ખાલી છે.
હોસ્પિટલમાં 7 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત
જ્યારે કોરોનાની બીજી લહેર દરમિયાન મોટા પ્રમાણમાં ઓક્સિજનની જરૂર પડી હતી, ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવામાં આવ્યા હતા, હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 7 જેટલા અલગ-અલગ ઓક્સિજન પ્લાન્ટ નાખવામાં આવ્યા છે. આ તમામ પ્લાન્ટ કાર્યરત છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દૈનિક જરૂરિયાત મુજબ હાલ ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ પ્લાન્ટમાંથી 10 ટન સુધી ઓક્સિજનનું ઉત્પાદન થાય તેવી કેપિસિટી છે, એટલે કે ભવિષ્યમાં પણ ઓક્સિજનની અહીં ઘટ સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ નહીં થાય.
આ પણ વાંચો: ત્રીજી લહેરની તૈયારી, રાજકોટ સિવિલમાં વર્ગ 1થી 4ના 2500 કર્મચારીઓને અપાશે ટ્રેનિંગ
મેડીકલ ઈમરજન્સીમાં હડતાળ નહિ
રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કેટલાક સરકારી ડોકટરો હડતાલ ઉપર છે. જેને લઇને રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. આર. એસ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ડોક્ટરોની હડતાલનો મામલો રાજ્યવ્યાપી મુદ્દો છે, પરંતુ કોઈપણ મેડિકલ ઈમરજન્સી જો આવશે તો આ ડોક્ટરો ચોક્કસ પોતાની હડતાળ પાછી ખેચશે. અત્યારે પણ સિવિલ હોસ્પિટલમાં કોઈ પણ સ્ટાફની અછત નથી, તેમજ પૂરતા પ્રમાણમાં બેડ છે અને ભવિષ્યમાં જો બેડની જરૂર પડશે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે, સમરસ હોસ્ટેલમાં અને કેન્સર હોસ્પિટલ ખાતે તમામ જગ્યાએ પણ બેડ ઉભા કરવામાં આવશે.
મનપા દ્વારા ટેસ્ટિંગ સઘન બનાવવામાં આવ્યું
દિવાળી બાદ કોરોના કેસમાં ધીમે ધીમે વધારો થતાં રાજકોટ મહાનગરપાલિકા પણ એલર્ટ થયું છે. શહેરમાં વિવિધ જગ્યાએ ટેસ્ટિંગ વધારવાની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. જરૂર જણાય તો બસ સ્ટેશનમાં અને રેલવે સ્ટેશન તેમજ એરપોર્ટ ખાતે આવતા જતા મુસાફરોનું સ્ક્રીનીંગ તેમજ તેમનું ટેસ્ટિંગ પણ અહીંયા જ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ જે વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે ત્યાં પણ કોન્ટેક ટ્રેસીંગની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. આમ શહેરમાં કોરોના સંક્રમણ વધુ પ્રમાણમાં ફેલાય નહિ તે માટે કોર્પોરેશન પણ એક્ટિવ થયું છે.