- રાજકોટમાં શહેર કોંગ્રેસનો અનોખો વિરોધ કાર્યક્રમ
- પ્રતીકાત્મક વિરોધરુપે રસ્તાના ખાડા પૂરવાનું કામ કર્યું
- શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે રાજકોટમાં રસ્તાના ખાડા પૂર્યાં
રાજકોટ: રાજકોટ શહેરમાં 12થી 15 ઇંચ જેટલો ભારે વરસાદ આવવાના કારણે ઠેર ઠેર રોડ રસ્તાઓ તૂટી જવાની ઘટના સામે આવી છે. ત્યારે હજુ સુધી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોડ રસ્તા અંગે કંઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઇને શહેરમાં ઠેરઠેર સ્થાનિકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર રાજકોટના કેનાલ રોડ ઉપર રસ્તાનું સમારકામ કરીને રસ્તા પર પડેલા ખાડાઓને પૂરતા નજરે પડ્યાં હતાં. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખાડાને લઈને રસ્તાનું સમારકામ કરવામાં નથી આવી રહ્યા, જેના પ્રતીકાત્મક વિરોધમાં આજે કોંગ્રેસ દ્વારા રસ્તાઓને પુરવામાં આવ્યાં હતાં.
શહેર કોંગ્રેસે ખાડાઓ પુરીને અનોખો વિરોધ કર્યો
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર સહિતના કોંગી નેતાઓએ આજે રાજકોટના કેનાલ રોડ ઉપર પડેલા ગાબડાઓ પૂરવાનું કામ કરવામાં આવ્યું હતું. જ્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર ખુદ હાથમાં તગારું અને પાવડો લઈને રસ્તા ઉપર ઉતરી આવ્યાં હતાં. તેમજ શહેરીજનોને હાલ રોડ રસ્તાઓ ઉપર ચાલવા અંગે પડતી સમસ્યાઓના કારણે કોંગ્રેસ દ્વારા જાતે જ રસ્તાનું સમારકામ કરીને ખાડાઓ પુરીને પ્રતીકાત્મક રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલા આ વિરોધના કાર્યક્રમમાં વિવિધ કોંગી આગેવાનો પણ જોડાયા હતાં અને રસ્તાના સમારકામમાં લાગી ગયાં હતાં.
ભારે વરસાદ બાદ રૂ.3 કરોડના રસ્તાઓનું નુકશાન
રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અંદાજિત 12થી 15 ઇંચ જેટલો વરસાદ એક જ દિવસમાં ખાબક્યો હતો. જેને લઇને રાજકોટના વિવિધ રાજમાર્ગો પર ખાડા પડી ગયાં હતાં. ત્યારે અમુક જગ્યાએ રસ્તાઓનું ધોવાણ થઇ ગયું હતું. તેમ જ તાજેતરમાં જ જે રસ્તાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું તેનું પણ ભારે વરસાદમાં ધોવાણ થયું હતું. મનપાના સર્વેમાં અંદાજિત રૂપિયા 3 કરોડથી વધુના રસ્તાઓનું નુકસાન થવા પામ્યું હોવાનું પણ મેયર ડો. પ્રદીપ ડવ દ્વારા અગાઉ જણાવવામાં આવ્યું છે.
10 દિવસ વીત્યાં છતાં કામગીરી નહીં: અશોક ડાંગર
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે આ અંગે જણાવ્યું હતું કે રાજકોટમાં ભારે વરસાદ આવ્યાના 10 દિવસ થઈ ગયાં છે છતાં પણ કોર્પોરેશન દ્વારા હજુ સુધી રોડ રસ્તા અને સમારકામ કરવાની કામગીરી કરવામાં આવી નથી. જેને લઈને કોંગ્રેસ દ્વારા હાલ રાજકોટના મુખ્ય માર્ગો પર સમારકામ કરવામાં આવી રહ્યું છે. રાજકોટ શહેરની ગણના સ્માર્ટ સિટીમાં થાય છે પરંતુ રાજકોટ શહેરના રસ્તાઓ કરતા ગામડાના રસ્તાઓ સારા હોવાનું કોંગ્રેસ પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ રાજકોટના રાજમાર્ગો પર થોડા જ દિવસમાં દોડશે ઇલેક્ટ્રોનિક બસ, મેયરની જાહેરાત
આ પણ વાંચોઃ રાજકોટમાં રોડ- રસ્તાના વિરોધને લઈને કોંગી કોર્પોરેટર પાટા પિંડી કરીને બોર્ડમાં આવ્યા