- રાજકોટમાં ભારે વરસાદથી રસ્તાઓની હાલત બિસ્માર
- પાલિકાએ બિસ્માર રસ્તાઓની મરામત ન કરાતા કોંગ્રેસનો વિરોધ
- મ.ન.પા.ની કાર્યવાહીનો વિરોધ કરવા કોંગ્રેસનું 'ખાડા પૂરો અભિયાન'
રાજકોટ: શહેરમાં પડી રહેલા ધોધમાર વરસાદના કારણે રસ્તાઓને વ્યાપક નુક્સાન પહોંચ્યું છે. જ્યારે મ.ન.પા. દ્વારા ઘણા દિવસો વીતી ગયા હોવા છતા રસ્તાઓના સમારકામ ન કરાયા હોવાથી લોકોને હાલાકી પડી રહી છે. ત્યારે, રાજકોટ મહાનગર પાલિકા (Rajkot Municipal Corporation)ના વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણી સહિતના આગેવાનો દ્વારા વોર્ડ નં. 12ના મુખ્ય માર્ગ પર ખાડાઓ ભરીને મ.ન.પા.ની કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો. વોર્ડ નં. 12 ઉપરાંત કોંગ્રેસ દ્વારા ગોંડલ રોડ, કેનાલ રોડ, 150 ફૂટ રીંગ રોડ, યાજ્ઞિક રોડ સહિતના રસ્તા ઉપર ખાડા પૂરવામાં આવી રહ્યા છે.
પાલિકાના સર્વેમાં રસ્તાઓમાં રૂપિયા 3 કરોડથી વધુનું નુક્સાન
રાજકોટમાં અગાઉ 10થી 12 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. જેને 15 દિવસ જેટલો સમય વીતી ગયો છે. એવામાં વરસાદને કારણે બિસ્માર થયેલા રસ્તાઓથી વાહન ચાલકો માટે અકસ્માતની પણ શક્યતાઓ સર્જાઈ રહી છે. ત્યારે રાજકોટ મ.ન.પા. દ્વારા એક પ્રાથમિક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં રાજકોટમાં અંદાજિત રૂપિયા 3 કરોડથી વધુના રસ્તાઓને નુક્સાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને રાજકોટ શહેર કોંગ્રેસ (Rajkot City Congress) દ્વારા આક્ષેપ પણ લગાવાયો હતો કે, 15 દિવસનો સમય વીતી ગયા બાદ પણ પાલિકા દ્વારા આ અંગે કોઈ કામગીરી કરવામાં આવી નથી.
આ પણ વાંચો: લો બોલો, રાજકોટ શહેર પ્રમુખે રોડના ખાડા પૂર્યા
આ પણ વાંચો: ભાવનગરમાં એક મહિનાથી ખોદેલા ખાડામાં ગાય ખાબકી, લોકોએ રેસ્ક્યૂ કર્યું
આ પણ વાંચો: ભુજમાં કોંગ્રેસ દ્વારા ખાડા પૂજન, શાસકોની સદ્ધબુદ્ધિ માટે કરાઇ પ્રાર્થના