- રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાનો રાફડો ફાટ્યો
- કોરોના સંક્રમણ વધતા રાજકોટમાં દર્દીઓની સંખ્યામાં ઉછાળો
- સિવિલ હોસ્પિટલમાં એકસાથે 40થી વધુ એમ્બ્યુલન્સની લાઈન
રાજકોટઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાયા બાદ એકાએક કોરોનાના કેસમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. ત્યારે હાલ રાજ્યમાં સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓના ટોળેટોળાં જોવા મળી રહ્યા છે. દર્દીઓને હોસ્પિટલમાં સારવાર માટે બેડ પણ નથી મળી રહ્યા, એવામાં હાલ કોરોનાના દર્દીઓની પરિસ્થિતિ ખૂબ જ કફોડી બની છે. જ્યારે, રાજકોટમાં રોજ મોટી સંખ્યામાં કોરોના કેસ નોંધાતા હોસ્પિટલના મેઈન ગેટ સુધી એમ્બ્યુલન્સોની કતાર જોવા મળી રહી છે.
મેઈન ગેટ બંધ કરીને પાછલા બારણેથી એન્ટ્રી અપાઈ
રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં બે દિવસ પહેલા 108 સહિત એમ્બ્યુલન્સની લાંબી કતારો જોવા મળી હતી. ત્યારે આ દ્રશ્ય હાલમાં ફરી વખત સામે આવ્યું હતું. જેમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ બહાર 40 જેટલી એમ્બ્યુલન્સની લાઈન જોવા મળી હતી. આ એમ્બ્યુલન્સમાં આવેલા દર્દીઓને સારવાર માટેનો વારો 4 કલાક બાદ આવતો હતો. જ્યારે એમ્બ્યુલન્સને લઈને સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા હોસ્પિટલનો મેન ગેટ બંધ રાખવાની ફરજ પડી હતી. જ્યારે આ એમ્બ્યુલન્સને હોસ્પિટલના પાછલા દરવાજાથી અંદર પ્રવેશવા દેવામાં આવતી હતી અને દર્દીઓની સારવાર કરવામાં આવતી હતી.