- 11 તાલુકાના કુલ 19 જેટલા કેન્દ્રો પરથી કરાઈ ખરીદી
- ચણાના 875થી માંડીને 900 રૂપિયા સુધી જોવા મળ્યા ભાવ
- ટેકાના ભાવની ખરીદી 8 માર્ચથી આગામી 5 જૂન સુધી શરૂ રહેશે
રાજકોટઃ રાજ્ય સરકાર દ્વારા મંગળવારથી વિવિધ જિલ્લાઓમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજકોટ જિલ્લામાં પણ મંગળવાર સવારથી જ ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લાના 11 તાલુકાના કુલ 19 જેટલા કેન્દ્રો પરથી મંગળવારે વિધિવત રીતે ચણાની ખરીદી કરવામાં આવી હતી. સરકારે ચણાની ખરીદીના ટેકાના ભાવ રૂપિયા 1,020 રાખ્યા છે. જ્યારે હાલ ખુલ્લી બજારમાં ચણાના 875થી માંડીને 900 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે. સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવતાં ખેડૂતોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: રાજકોટ યાર્ડમાં આ વર્ષે મરચાનો ભાવ રૂ. 2200થી 3200 મળતા ખેડૂતોમાં ખુશી
68 હજાર ખેડૂતોએ ચણાની ખરીદી માટે કરાવ્યું રજિસ્ટ્રેશન
રાજકોટ જિલ્લાના કુલ 11 તાલુકાના 68 હજારથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે ચણા વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ત્યારે સરકાર દ્વારા હાલ ટેકાના ભાવની ખરીદીના રૂ.1,020 ખેડૂતોને આપવામાં આવી રહ્યા છે. જે ઓપન માર્કેટ કરતાં વધુ જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, જે ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેમને મોબાઇલમાં SMS દ્વારા જાણ કરવામાં આવશે અને ત્યારબાદ તે યાર્ડ ખાતે પોતાનો પાક લઈ જઈ શકશે. હાલ ટેકાના ભાવની ખરીદી 8 માર્ચથી આગામી 5 જૂન સુધી શરૂ રહેશે, ત્યારે યાર્ડમાં પણ ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં નવી આવક પર રોક