- જવાબદાર રજિસ્ટ્રાર જતીન સોનીએ આપ્યું રાજીનામું
- કૌભાંડ મામલે આજે યોજાઈ બેઠક
- સમિતિ 1-2 દિવસમાં રિપોર્ટ યુનિવર્સિટીને સોપશે
રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ( Saurashtra University ) નો બહુચર્ચિત માટી કૌભાંડ મામલે આજે મંગળવારે તપાસ સમિતિની ત્રીજી બેઠક મળી હતી. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોચ કેતન ત્રિવેદી અને કાર્યકાળી રજિસ્ટ્રાર જતીન સોની( Registrar Jatin Soni Resignation )નું નિવેદન લેવામાં આવ્યું હતું. હાલ આ સમિતિ દ્વારા આ બન્નેના નિવેદનને લઈને આગામી એક-બે દિવસમાં સમગ્ર કૌભાંડ મામલે પોતાની તપાસનો રિપોર્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સોંપવામાં આવશે. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે, જ્યારે જતીન સોનીએ રજિસ્ટાર પદ પરથી રાજીનામું આપી દીધું છે, ત્યારે એવા સવાલો પણ ઊભા થાય છે કે, હજુ જતીન સોની સામે તપાસ ચાલી રહી છે. તેવામાં તેમના દ્વારા પદ પરથી રાજીનામું આપવું કેટલું યોગ્ય છે.
આ પણ વાંચો: Saurashtra University માટી કૌભાંડ: રજિસ્ટ્રાર જતીન સોનીએ આપ્યું રાજીનામું
તપાસ સમિતિની ત્રીજી બેઠક યોજાઇ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બ્યુટીફીકેશન મામલે નવું કામ કરાવવામાં આવ્યું હતું, જ્યાં ટ્રેક્ટર વડે માટીના ફેરા નંખાવામાં આવ્યા હતા જેમાં કૌભાંડ બહાર આવ્યું હતું. જે કૌભાંડો યુનિવર્સિટીના ઓડિટ વિભાગ દ્વારા પકડી પાડવામાં આવ્યું હતું. કામ કરવાના ખોટા બીલો રજુ કરીને તેને પાસ કરાવીને પૈસા ખાઈ જવા મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. જે તપાસ સમિતિની આજે મંગળવારે ત્રીજી બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સમગ્ર મામલે જવાબદાર રજિસ્ટ્રાર એવા જતીન સોની તેમજ કોચ કેતન ત્રિવેદીનું નિવેદન લેવામાં આવ્યું હતું. હવે આ મામલે તપાસ સમિતિ 1-2 દિવસમાં સમગ્ર રિપોર્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સોપશે.
NSUI દ્વારા પણ કરવામાં આવ્યો વિરોધ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માટી કૌભાંડ સામે આવ્યા બાદ તપાસ સમિતિની ત્રીજી બેઠક યોજવામાં આવી હતી. જેને લઈને રાજકોટ NSUI દ્વારા આજે મંગળવારે કુલપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમજ જતીન સોનીને તાત્કાલિક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ હોદ્દા પરથી દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. હાલ જતીન સોની સામે તપાસ શરૂ કરવામાં આવી છે, જ્યારે આ સમગ્ર મામલે NSUI દ્વારા પોલીસ ફરિયાદ કરવાની પણ માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો: યુનિવર્સિટી માટી કૌભાંડ અંગે રજિસ્ટ્રારએ કહ્યું, 'મારુ કામ માટીના ફેરા ગણવાનું નથી'
રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી થશે : કુલપતિ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માટી કૌભાંડ સામે આવતા તેની તપાસ માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીની આજે ત્રીજી બેઠક યોજાઇ હતી, જ્યારે આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીતિન પેથાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જ્યારે તપાસ કમિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને રિપોર્ટ સોંપશે ત્યારબાદ આ કૌભાંડ એટલે કે આ કામગીરીમાં જે પણ દોષિત હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.