રાજકોટ: દેશમાં કોરોનાની મહામારીના કારણે તમામ ધંધા રોજગાર ખોરવાયાં છે, સાથે શિક્ષણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. છેલ્લા બે મહિના કરતાં વધારે સમય સુધી શાળાઓ બંધ રહ્યા બાદ ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. જેને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ખાનગી સ્કૂલો દ્વારા વાલીઓને મૌખિક અને મેસેજ મોકલીને ફી માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આવી જ ઘટના રાજકોટમાં સામે આવી છે.
રાજકોટના કાલાવડ રોડ નજીક આવેલ માસૂમ ખાનગી સ્કૂલ દ્વારા વાલીઓને ફી ભરી જાવ અથવા પોતાના બાળકોના LC સ્કૂલમાંથી લઈ જાવ તેવા મેસેજ કરવામાં આવ્યાં હતાં. જેને લઈને આજે રાજકોટ NSUI અને વાલીઓ સ્કૂલ ખાતે આ મામલે રજૂઆત કરવા માટે દોડી ગયાં હતાં. સરકારનો આદેશ છે કે આગામી સપ્ટેમ્બર મહિના સુધી વાલીઓને ફીમાં રાહત આપવામાં આવે છતાં પણ આ સ્કૂલ દ્વારા વાલીઓના એડમીશન ફી સહિતના બહાના આપી ફીની ઉઘરાણી મામલે વાલીઓ પર દબાણ કરવામાં આવી રહ્યું છે જે યોગ્ય નથી. જ્યારે મામલો વધુ બીચકે નહીં તે માટે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલે મધ્યસ્થી કરી હતી. શાળા સંચાલકો દ્વારા ફી મામલે વાલીઓને લેખિતમાં ખાત્રી આપ્યા બાદ આ સમગ્ર મામલો શાંત પડ્યો હતો.