રાજકોટઃ કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં કૃષિ બીલ પાસ કરવામાં આવ્યું છે. જેનો કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. કૃષિ બીલ મુદ્દે કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, ત્યારે શનિવારે રાજકોટના સર્કિટ હાઉસ ખાતે કૃષિ અને ખેડૂત કલ્યાણ કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, કૃષિ સુધારા બીલ આવવાના કારણે દેશમાં ખેડૂત વધુ સમૃદ્ધ બનશે. આ ઉપરાંત ખેડૂત પોતાના માલના યોગ્ય ભાવ પણ મેળવી શકશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, આ બીલ થકી આગામી દિવસોમાં ખેડૂતો પોતાનો માલ દેશ વિદેશમાં પણ વહેંચી શકશે. જો કે, બીલ આવવાના કારણે APMC નાબૂદ નહીં થાય અને ખેડૂતોને પોતાના માલના પોષણક્ષમ ભાવ પણ મળી રહેશે.
કેન્દ્રીય પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, કૃષિ બીલ આવવાના કારણે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સિસ્ટમ લાગૂ થશે. જે આપણે અગાઉથી જ દેશમાં કરી રહ્યાં છીંએ. રૂપાલાએ આ સાથે જ કોંગ્રેસને બીલ મુદ્દે ખેડૂતોને ગુમરાહ કરી રહી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ રાજકોટમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ પણ પત્રકાર પરિષદ યોજી હતી અને કૃષિ બીલ અંગે સ્પષ્ટતા કરી હતી.