- રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 21મીએ યોજાશે મતદાન
- પ્રચાર પૂર્ણ થાય તે પહેલા જ મુખ્યપ્રધાન થયા હતા કોરોનાગ્રસ્ત
- મુખ્યપ્રધાન પ્રત્યક્ષ રીતે પ્રચારમાં હાજર ન રહી શક્તા ભાજપે અવનવો નુસખો અપનાવ્યો
રાજકોટ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકોટના અલગ અલગ વિસ્તારમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેમાં 'સીએમ એ જ કોમનમેન'નું સ્લોગન પણ લખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે હાલ મુખ્યપ્રધાન અને ભાજપના સ્ટાર પ્રચારક એવા વિજય રૂપાણી કોરોનાની સારવાર હેઠળ છે. ત્યારે રાજકોટ મનપાની ચૂંટણીમાં મુખ્યપ્રધાનનાં કોમન મેન સાથેના સ્લોગન વાળા પોસ્ટર લગાવામાં આવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
પોસ્ટરમાં વડાપ્રધાન મોદી અને અમિત શાહનો પણ ફોટો
રાજકોટના અલગ અલગ વિસ્તારમાં હાલ ચૂંટણીને લઈને ભાજપ દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યાં છે. જેમાં વડાપ્રધાન મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ફોટો જોવા મળી રહ્યાં છે. આ સાથે જ આ પોસ્ટરમાં 'CM એ જ કોમનમેન'નાં સ્લોગન લખવામાં આવ્યાં છે. જ્યારે પોસ્ટરમાં ગુજરાતના ગામડાઓની ઝાંખી દર્શાવવામાં આવી છે. જો કે, રાજકોટના અલગ અલગ વિસ્તારમાં પોસ્ટર લગાડવામાં આવતા રાજકારણ ગરમાયું છે.
પ્રથમ વખત મુખ્યપ્રધાન નહી કરી શકે ચૂંટણી પ્રચાર
રાજકોટ મનપા સહિત રાજ્યની અલગ અલગ મહાનગરપાલિકાઓ અને જિલ્લા તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાઈ રહી છે. જેને લઈને ભાજપ કોંગ્રેસ સહિતના પક્ષોના સ્ટાર પ્રચારકો પ્રચાર પસાર માટે એડીચોટીનું જોર લગાડી રહ્યા છે. ત્યારે મુખ્યપ્રધાન અને ભાજપના સ્ટાર પ્રચારક એવા વિજય રૂપાણી હાલ કોરોના ગ્રસ્ત હોય તેઓ મનપાની ચૂંટણીમાં પ્રચાર કરી કરી શક્યાં નથી. જ્યારે આવું પ્રથમ વખત બન્યું છે કે વિજય રૂપાણી ચૂંટણીમાં પ્રચાર કરી શક્યા ન હોય.