રાજકોટ: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં હાલ રાજ્ય સરકાર દ્વારા કરફ્યૂ લગાડવામાં આવ્યો છે. ત્યારે પોલીસ દ્વારા પણ ચુસ્તપણે કરફ્યૂનો અમલ કરવામાં આવી રહ્યો છે. આજે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. રાજકોટના અલગ અલગ પોલીસ મથકના અધિકારીઓ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે પોલીસ કમિશ્નર દ્વારા જંગલેશ્વરની વિવિધ શેરીમાં ચાલીને પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આજે રાજકોટમાં 2 કોરોના પોઝિટિવ કેસની સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 39 પહોંચી છે. જેમાંથી 25 કેસથી વધારે પોઝિટિવ કેસ માત્ર રાજકોટના જંગલેશ્વર વિસ્તારના છે. જ્યારે રાજકોટમાં અત્યાર સુધીમાં 9 જેટલા કોરોનાના દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા રાજકોટના હોટ સ્પોટ એવા જંગલેશ્વર વિસ્તારમાં કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં ઘોડા દ્વારા, ચાલીને અને ડ્રોન કેમેરા વડે નજર રાખવામાં આવી રહી છે.
