રાજકોટઃ ETV ભારત દ્વારા રાજકોટના લાઈફ બ્લડ બેંકના ડાયરેક્ટર સંજય નંદાણી સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આપના શરીરમાં ફરતા લોહીમાં 50 ટકા પાણીનો ભાગ હોય છે. તેને સામાન્ય રીતે પ્લાઝમાં તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પ્લાઝમાં થેરાપીમાં કોરોનાના સ્વસ્થ થયેલા દર્દીમાંથી બ્લડ લેવાની પ્રક્રિયા બદલાઈ જાય છે. આ પદ્ધતિમાં એફરેસિસ નામનું મશીન હોવું જોઈએ જેના વડે કોરોનાના સ્વસ્થ થેયલ દર્દીનું બ્લડ લેવામાં આવે છે. ડિસપોઝબલ કીટ વડે આ લોહી સ્પિન થાય છે અને તેમાંથી પાણી અને બ્લડ સેલ્સ છુટા પડે છે. પાણી એક જગ્યાએ મશીનમાં જમા થાય છે અને બ્લડ સેલ્સ ફરી સ્વસ્થ થયેલા કોરોનાના દર્દીમાં જતું રહે છે. આમ કોરોનાના સ્વસ્થ દર્દીમાંથી લેવામાં આવેલ પાણીને પ્લાઝમાં તરીકે ઓળખવામા આવે છે.
આ અંગે ડો. સંજયે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાના સ્વસ્થ થયેલ દર્દીમાંથી 500 એમ.એલ પ્લાઝમાં લઈ શકાય છે. જેમાંથી એક કોરોના દર્દીને 200 એમ.એલ પ્લાઝમાં આપવામાં આવે છે. આમ એક સ્વસ્થ થેયલ કોરોનાનો દર્દી બે દર્દીઓને સ્વસ્થ કરી શકે છે.
હાલમાં રાજ્યમાં માત્ર અમદાવાદની જ હોસ્પિટલને પ્લાઝમાં થેરાપી અંગેની મંજૂરી મળી છે. જ્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા પણ પ્લાઝમાં થેરાપી અંગેની મંજુરી માંગવામાં આવી છે. જો સરકાર દ્વારા રાજકોટને મંજૂરી આપવામાં આવે તો રાજકોટમાં પણ આગામી દિવસોમાં પ્લાઝમાં પદ્ધતિ વડે કોરોનાના દર્દીને સ્વસ્થ કરી શકાશે. આ બધામાં પ્લાઝમાં પણ એટલું જ મહત્વનું છે. જો રાજ્યમાં અન્ય કોઈ પણ દર્દીને પ્લાઝમાંની જરૂર હોય તો તેને રાજકોટમાંથી કોરોનાના સ્વસ્થ થેયલ દર્દીનું પ્લાઝમાં આપી શકાય છે. આ પ્લાઝમાં પણ બ્લડની જેમ એક જગ્યાએથી જરૂરિયાત વાળા શહેરમાં મોકલી શકાય છે અને તેને બ્લડની જેમ સાચવી શકાય છે.
હાલમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં એક માત્ર રાજકોટમાં આવેલ લાઈફ કેર બ્લડ બેન્ક પાસે જ આ પ્રકારનું મશીન હોવાનું સામે આવ્યું છે. ત્યારે આગામી દિવસોમાં જો રાજકોટને પ્લાઝમાં થેરાપીની મંજૂરી મળશે તો લાઈફ બ્લડ બેન્ક દ્વારા પણ શક્ય એટલી મદદ કરવાની તૈયારી દર્શાવી છે.