- રાજકોટમાં ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)ના મેડલિસ્ટ ખેલાડીઓના ચિત્ર બનાવાયા
- રાજકોટની દિવાલ પર ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં દેશનું ગૌરવ વધારનારા ખેલાડીઓના ચિત્ર બનાવાયા
- સ્માર્ટ સિટી ટ્રસ્ટ (Smart City Trust)-ચિત્રનગરીએ શહેરની વિવિધ દિવાલો પર સુંદર ચિત્રો બનાવડાવ્યા
રાજકોટઃ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરશન (Rajkot Municipal Corporation)ના સાથ સહકારથી છેલ્લા છ વર્ષથી મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ-ચિત્રનગરી (Mission Smart City Trust Chitranagari) દ્વારા રાજકોટમાં આવેલી વિવિધ દિવાલો પર સુંદર ચિત્રો બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરમાં ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં દેશ માટે મેડલ જીતનારા ખેલાડીઓના પણ ચિત્ર બનાવવામાં આવ્યા છે. ઓલિમ્પિકમાં દેશનું ગૌરવ વધારનારા ખેલાડીઓના સન્માનમાં આ ચિત્ર દોરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ ભારતનું પ્રથમ ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા યુવતીઓમાં બન્યો લોકપ્રિય
આ સંસ્થાએ અત્યાર સુધી 13,000થી વધુ ચિત્રો બનાવ્યા
આ સંસ્થાએ અત્યાર સુધી 13,000થી પણ વધુ ચિત્રો બનાવ્યા છે. આશરે 1,000 જેટલા કલાકારો નિ:સ્વાર્થ ભાવે આ અભિયાનમાં જોડાયેલા છે. રાજકોટ ઉપરાંત જામનગર, દ્વારકા, ઓખા, શિવરાજપુર બીચ, સુરેન્દ્રનગર, વાંકાનેર, જસદણ અને અમદાવાદની સાબરમતી જેલની દીવાલ પર આ કલાકારો એ ચિત્રો બનાવી રાજકોટને ગૌરવ અપાવ્યું છે.
કિસાનપરા ચોકમાં ખેલાડીઓના ચિત્ર બનાવાયા
તાજેતરમાં જાપાનના ટોક્યો શહેરમાં યોજાયેલા ઓલિમ્પિક (Tokyo Olympics)માં ભારતે 7 મેડલ મેળવ્યા છે. દેશના ખેલાડીઓએ ભારત દેશને ગૌરવ અપાવ્યું છે. આ ખેલાડીઓને બિરદાવવા માટે કિસાનપરા ચોક ખાતે ચિત્રનગરીના કલાકારો દ્વારા આ 7 ખેલાડીઓના ચિત્રો બનાવવામાં આવ્યા છે. આ પ્રસંગે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)ના અધિકારીઓ પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ચિત્રનગરીના કલાકારોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
રાજકોટની ચિત્રનગરીના કલાકારો દ્વારા વિશ્વમાં ભારતનું નામ રોશન કરનારા ઓલમ્પિક વિજેતાઓને બિરદાવવા માટે તેમના ચિત્રો રાજકોટની વિવિધ દિવાલો પર બનાવમાં આવ્યા છે. આ સમગ્ર દેશમાં પ્રથમ કહી શકાય તેવી ઘટના છે. જ્યારે આ ખેલાડીઓએ અથાગ પરિશ્રમ કરીને દેશને ગૌરવ અપાવ્યું હોય. તેના માટે ચિત્રનગરી દ્વારા તેમની યાદગીરિના ભાગરૂપે વિશેષ ચિત્રો બનાવ્યા હતા.