રાજકોટ : ખોડલધામ ખાતે લેઉવા પટેલ સમાજની એકતાના પ્રતિક ખોડલધામમાં આજે બેઠકોનો દૌર પૂર્ણ થયો છે. પાસ આગેવાન અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણીયા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સાથે નરેશ પટેલે બંધ બારણે બેઠક શરૂ કરી હતી. બેઠક બાદ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હું કોંગ્રેસથી નારાજ છું જ, કોણ ના પાડે છે, આ વાત જગજાહેર છે. કોઈ પણ પાર્ટીની અંદર કોઈ પણ નેતા હોય તેની જવાબદારી નક્કી હોય છે. આજે હું ગુજરાતનો કાર્યકારી પ્રમુખ છે તો મારી જવાબદારી નક્કી હોવી જોઇએ. નરેશ પટેલ કોંગ્રેસમાં આવશે તો મારી નારાજગી દૂર થશે, પછી તો મારે તેની સાથે જ ચર્ચા કરવાની થશે.
નરેશ પટેલનો રાજકરણમાં થશે પ્રવેશ - હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, આજે હું, અલ્પેશ, દિનેશ તેમજ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે બેઠક કરી હતી. જેમાં સામાજિક, રાજકીય અને પારિવારિક સહિત અનેક મુદ્દાઓ પર ખુલ્લીને ચર્ચા કરી હતી. નરેશપટેલ કોઈ પણ રાજકીય નિર્ણય લે તેને અમે માન્ય રાખીશું. નરેશપટેલ પાટીદારો પર થયેલા કેસો પાછા ખેચવા મુખ્યપ્રધાનને રજુઆત કરી હતી, જે બાદ 22થી 25 કેસ પાછા ખેચાયા હતા. હજી પણ 244 જેટલા કેસોની પ્રોસેસ ઝડપી બને તે માટેની રજુઆત પણ કરી છે.
હાર્દિકે નારાજગીનું આપ્યું કારણ - હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, અમે માગણી પણ કરી છે કે, તમારો રાજકીય નિર્ણય વહેલામાં વહેલી તકે રજુ કરો. અમારો તમામનો હેતુ સામાજિક પરિબળોને હાવિ બનાવવાનો નહીં, પરંતુ ગુજરાતના સાડા છ કરોડ લોકોને સારું નેતૃત્વ મળે, સારી વ્યવસ્થા મળે, લોકોનું કામ થાય, લોકો સમૃદ્ધ થાય તે માટેનો અમારો હંમેશા પ્રયાસ રહ્યો છે. ખોડલધામ પાટીદાર સમાજની નિમિત સંસ્થા છે પણ હકિકતમાં સર્વસમાજની આસ્થાનું કેન્દ્ર છે.