- વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ રાજકોટ પોલીસ કમિશ્નરને રજૂઆત કરી
- ઉમેદવારોને પોલીસ ડરાવી રહી હોવાનો કર્યો આક્ષેપ
- વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ રાજકોટમાં રેલીઓ અને સભાઓને સંબોધન કર્યું
રાજકોટઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ પક્ષોનો પ્રચાર પસાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે રાજકોટ ખાતે વિપક્ષી નેતા પરેશ ધાનાણી આવી પહોંચ્યા હતા. અહીં તેઓએ અલગ-અલગ જગ્યાએ રેલીઓ અને સભાઓને સંબોધન કર્યું હતું. રાજકોટ ખાતે પરેશ ધાનાણી સહિત રાજકોટ કોંગ્રેસના આગેવાનોએ પોતાના ઉમેદવારો અને નેતાઓને પોલીસ હેરાન કરતી હોવાના આક્ષેપ સાથે પોલીસ કમિશ્નરને રજૂઆત કરી હતી.
ઉમેદવારો અને નેતાઓને પોલીસ અલગ-અલગ કેસમાં ડરાવી ધમકાવતી હોવા અંગેની રજૂઆત કરી
વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ રાજકોટ પોલીસ કમિશ્નરને પોતાના ઉમેદવારો અને નેતાઓને પોલીસ અલગ-અલગ કેસમાં ડરાવી ધમકાવતી હોવા અંગેની રજૂઆત કરી છે. તેમજ રાજકોટ પોલીસના કેટલાક અધિકારીઓ ભાજપના નેતાઓના ઈશારે કામ કરતા હોવાનો પણ પોલીસ પર આક્ષેપ કર્યો છે. ખાખીને પોલીસ કર્મીઓ બદનામ કરીને ભાજપના ઈશારે કામ કરવામાં આવી રહ્યું છે. તેમજ ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોને પણ પોલીસ દ્વારા ડરાવવા તેમજ ધમકાવવામાં આવી રહ્યાં હોવાનો આક્ષેપ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મીડિયા સાથેની વાતચીતમાં કર્યો હતો.