રાજકોટઃ રાજકોટમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામ સાગઠીયાએ મનપા પાસે વિવિધ વિસ્તારોમાં સેનેટાઇઝની માગ કરી છે. હાલ સમગ્ર ભારત દેશ અને ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસ મહામારીના સંક્રમણ અને મૃત્યુ આંકના આંકડાઓ વધી રહ્યા છે.
રાજકોટ શહેરમાં લોકડાઉનનું સંપૂર્ણ પાલન કરવા અને સાવચેતી રાખવા અને સચેત રહેવા રાજકોટની જનતાને વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાએ અપીલ કરી છે. તેમજ મનપા પાસે માગ કરી છે કે રાજકોટ શહેરમાં જે સ્થળે 50 થી વધુ લોકોની અવરજવર હોય તેવી જગ્યાએ સેનિટાઈઝિંગ કરવામાં આવે. તેમજ શહેરમાં અનાજ કરીયાણાની દુકાનો, મેડીકલ સ્ટોર, ડેરીઓ, બેકરીઓ, એટીએમ, બેંકો વગેરે જેવા જાહેર સ્થળોએ કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે અતિઆવશ્યક પગલા લેવા મ્યુનિસિપલ કમિશ્રર ઉદિત અગ્રવાલ પાસે પ્રખર માગણી કરી છે કે, આ તમામ જગ્યાએ રોજે રોજ સેનીટાઈઝેશન કામગીરી કરવામાં આવે.
આ સાથે જ શહેરના નાગરિકો દ્વારા કરવામાં આવતી ફરિયાદો અરજીઓને ગંભીરતા પૂર્વક તાત્કાલિક કામગીરી કરાવવા જાહેર આરોગ્યના હિત માટે મનપાના વિપક્ષીનેતા વશરામભાઈ સાગઠીયાએ માગણી કરી છે.