- મગફળીની ટેકાના ભાવે ખરીદીના પ્રથમ દિવસે ખેડૂતોનો નબળો પ્રતિસાદ જોવા મળ્યો
- રાજકોટમાં જુના માર્કેટિંગ યાર્ડ ખાતે માત્ર 3 ખેડૂતો જ આવ્યા
- યાર્ડ ખાતે સોમવારે 20 ખેડૂતોને બોલવામાં આવ્યા હતા
રાજકોટઃ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી સોમવારથી શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજકોટમાં મગફળીની ખરીદીના પ્રથમ દિવસે ખેડૂતોનો નબળો પ્રતિસાદ જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે જુના માર્કેટિંગ યાર્ડ ખાતે માત્ર 3 ખેડૂતો જ આવ્યા હતા. કોરોનાના કારણે સરકારની ગાઇડલાઈન પ્રમાણે યાર્ડ ખાતે હજુ શરૂઆતમાં 20-20 ખેડૂતોને બોલાવાનું નક્કી કરવામાં આવ્યું છે, ત્યારે સોમવારે 3 ખેડૂતો મગફળી લઈને આવ્યા હતા.
ઓપન માર્કેટમાં ખેડૂતોને ટેકાના ભાવ કરતા સારા મળી રહ્યા છે ભાવ
ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોને મેસેજ કરીને જાણ કરવામાં આવી રહી છે. જેને લઈને સોમવારે રાજકોટ યાર્ડ ખાતે 20 ખેડૂતોને બોલવામાં આવ્યા હતા, પરંતુ માત્ર 3 ખેડૂતો જ મગફળી લઈને આવ્યા હતા. જો કે, હાલમાં ઓપન માર્કેટમાં ખેડૂતોને ટેકાના ભાવ કરતા સારા ભાવ મળી રહ્યા હોવાથી મોટાભાગના ખેડૂતો ઓપન માર્કેટમાં જ પોતાની મગફળી વેચવાનું અનુકૂળ માની રહ્યા છે.
ટેકાના ભાવે ખરીદી માટે 97 હજાર ખેડૂતોએ કરાવ્યું હતું રજિસ્ટ્રેશન
સરકાર દ્વારા ટેકના ભાવે મગફળી ખરીદીની જાહેરાત કરવામાં આવ્યા બાદ જિલ્લામાં ટેકાના ભાવે ખરીદી માટે 97 હજાર ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જે ગત વર્ષ કરતા 15 હજાર વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જિલ્લાના 22 કેન્દ્ર પર સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. જેમાં રાજકોટમાં જુના માર્કેટિંગ યાર્ડ ખાતે કેન્દ્ર રાખવામાં આવ્યું છે. સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિત ખરીદી કેન્દ્ર ખાતે અધિકારીઓ પહોંચી ગયા હતા અને કામગીરીની શરૂઆત કરી હતી.