- ઇઝરાયલમાં ગુજરાતના 6 હજાર નાગરિકો
- ઇઝરાયલમાં 30,000 જેટલા ભારતીયો
- રાજકોટની સોનલે કહ્યું સરકાર પર પૂરો ભરોસો
રાજકોટઃ ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે 7 મેથી ચાલી રહેલી હિંસક લડાઈને કારણે સ્થાનિક નાગરિકો સાથે ભારત અને એમાં પણ ગુજરાતના નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે. સામાન્ય રીતે જોવા જઈએ તો ઇઝરાયલમાં 30,000 જેટલા ભારતીયો અને એમાં પણ 6,000 જેટલા ગુજરાતીઓ વસે છે. અલગ-અલગ જોબ કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે અહીં યુધ્ધ જેવી સ્થિતિના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જેને લઈને સામાન્ય જન જીવન અસ્ત વ્યસ્ત બન્યું છે. હવે આ યુધ્ધ ક્યારે પૂરું થાય તેવી નાગરિકો રાહ જોઇને બેઠા છે.
ઇઝરાયલમાં રાજ્યના 6,000 નાગરિકો છે
સમગ્ર મામલે છેલ્લા કેટલાક વર્ષોથી પોતાના પરિવાર સાથે ઇઝરાયમાં સ્થાયી થયેલા સોનલ ગેડિયા બારૈયાએ ETV bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હાલ અહીં ડરવા જેવું કંઈ નથી. ઇઝરાયલમાં કુલ 30,000 ભારતીયો અને 6,000 ગુજરાતી પરિવાર રહે છે, પરંતુ જેટલો આપણને ભગવાન પર વિશ્વાસ છે, એટલો જ ઇઝરાયલ સરકાર પર વિશ્વાસ છે. તેમજ સરકાર પણ ઇઝરાયલમાં કોઈ મોટી જાનહાની નહીં થવા દે. હાલ લોકો પોતાની રોજબરોજની નોકરી પર જઈ રહ્યા છે તેમજ પરિસ્થિતિ હજુ ખુબ જ સારી છે.
આ પણ વાંચો: ઇઝરાયલ-યુએઈ સમજૂતીને કારણે પશ્ચિમ એશિયામાં ભારત માટે તક
ઇઝરાયલમાં મોટાભાગના ઘરોમાં પ્રોટેક્શન એરિયા
સોનલે વધુમાં જણાવ્યું હતું કે, હાલ ઇઝરાયલના મોટાભાગના ઘરોમાં પ્રોટેક્શન એરિયા છે. જ્યારે જે લોકોના ઘરમાં પ્રોટેક્શન એરિયા નથી તેવા લોકો માટે સરકાર દ્વારા અલગ-અલગ વિસ્તારમાં બંકર બનાવામાં આવ્યા છે. તેમજ જ્યારે પણ પરિસ્થિતિ વધુ વણશે અને કોઈ મોટી જાનહાની થવાનો ભય લાગે ત્યારે લોકોને આ બંકરમાં જવાની સૂચના આપવામાં આવે છે. સોનલએ પણ જણાવ્યું હતું કે, જ્યારે સાયરન વાગે એટલે અમને થોડો ડર લાગે છે. એટલે અમે આવી પરિસ્થિતિમાં પોતાના ઘરમાં આવેલા પ્રોટેક્શન એરિયામાં જતા રહીએ છીએ.
આ પણ વાંચો: ઇઝરાયલ દૂતાવાસમાં બ્લાસ્ટ