- સરકારી કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવે છે 400 જેટલા નર્સિંગ સ્ટુડન્ટ્સ
- જિલ્લા કલેક્ટરે આદેશમાં દર મહિને 22 હજાર આપવાની કરી હતી વાત
- 2 મહિનાથી પગાર ન આપવામાં આવતા વિદ્યાર્થીઓ ઉતર્યા મેદાનમાં
રાજકોટ: કોરોનાની ગંભીર પરિસ્થિતિને લઈને રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા તમામ મેડીકલ અને નર્સિંગના વિદ્યાર્થીઓને ફરજ પર જોડાવાના આદેશ કરવામાં આવ્યો હતો. આ માટે તેમને ગર મહિને 22 હજાર રૂપિયા માનદ વેતન આપવાનું પણ તેમના લેખિત આદેશમાં જણાવવામાં આવ્યું હતું. જ્યારબાદથી સતત ફરજ બજાવી રહેલા B.Sc નર્સિંગ તેમજ GNM ફેકલ્ટીના 400 જેટલા વિદ્યાર્થીઓને છેલ્લા 2 મહિનાથી માનદ વેતન ન મળ્યું હોવાથી નર્સિંગના વિદ્યાર્થીઓ સાથે NSUI દ્વારા સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા કરવામાં આવી અટકાયત
અગાઉ જ્યારે નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા તંત્ર પાસે પગારની માગણી કરાઈ ત્યારે તંત્ર તરફથી 12 હજાર રૂપિયા માનદ વેતન આપવાનો વાયદો કર્યો હતો. જ્યાર બાદ પણ યોગ્ય નિવેડો ન આવતા અંતે સોમવારના રોજ NSUI અને વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જ્યાંથી પોલીસે કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.